70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના કાબૂમાં રહેત: સંશોધકો
નવી દિલ્હી, દુનિયાના મોટાભાગના દેશો મહિનાઓ પછી પણ કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે એક સંશોધનમાં એવુ તારણ નિકળ્યુ છે કે, જો 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના બેકાબૂ ના બન્યો હતો.
સિંગાપુરની જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં જણાવાયા પ્રમાણે માસ્ક સતત પહેરી રાખવાથી આ મહામારીને કાબૂમાં રાખી શકાઈ હોત.આ સંશોધનમાં માસ્ક બનાવવા માટે વપરાતુ મટિરિયલ અને લોકો દ્વારા કેટલા સમય માટે માસ્ક પહેરી રાખવામાં આવે છે તે બાબતોને ગણતરીમાં લેવામાં આવી હતી.જેમાં એવો પણ દાવો કરાયો છે કે, માસ્કના વિકલ્પ રુપે સાદુ કપડુ પણ જો સતત મોઢા પર ઢાંકી રાખવામાં આવે તો પણ કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવી શકાય છે.
સંશોધકોમાં સામેલ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરના સંજય કુમારનુ કહેવુ હતુ કે, સર્જિકલ માસ્ક જો 70 ટકા લોકોએ જાહેર સ્થળોએ સતત પહેરી રાખ્યો હોત તો કોરોનાએ આટલુ વિકરાળ સ્વરુપ ધારણ ના કર્યુ હોત.જોકે મોટાભાગના દેશોમાં લોકોએ માસ્ક પહેરવાની વાતને હળવાશથી લીધી હતી અને લોકોનુ આ બાબતે બેજવાબદાર વલણ રહ્યુ છે.માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ કોરોના સામે લડવા માટે બહુ મોટુ હથિયાર સાબિત થઈ શકે છે.જોકે હવે ઘણા દેશો માસ્ક પહેરવાના ફરજિયાત નિયમને લાગુ કરી રહ્યા છે.