70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોની સારવાર આયુષ્માન યોજના હેઠળ થશે
(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યાં. રાષ્ટ્રપતિએ આ દરમિયાન મોટું એલાન કર્યું. તેમણે આયુષ્માન યોજનાને લઈને મહત્વની વાત કહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોની સારવાર આયુષ્માન યોજના હેઠળ થશે. રાષ્ટ્રપતિએ કહ્યું, સરકારે નિર્ણય લીધો છે.
હવે ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારનો લાભ મળશે. સરકારે ગત ૧૦ વર્ષમાં ઘણા સુધારા પણ કર્યાં છે. તાજેતરમાં જ થયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું હતું કે દેશની જનતાને આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખની સારવાર થશે.
આ સાથે જ ૭૦ વર્ષથી ઉપરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજના હેઠળ લાવવામાં આવશે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ એક પ્રકારનો આરોગ્ય વીમો છે. આમાં લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળે છે. કાર્ડની મદદથી લાભાર્થી હોસ્પિટલમાં ૫ લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. આનો લાભ દેશના ગરીબ અને આર્થિક રીતે કમજોર નાગરિકોને મળે છે.
આ સિવાય રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું છે કે આજે ભારત ઘણા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. ડિજિટલ ચૂકવણીના મામલે ભારત દુનિયામાં સારું પ્રદર્શન કરે છે તો આપણને ગર્વ હોવો જોઈએ. ભારતીય વૈજ્ઞાનિક સફળતાપૂર્વક ચંદ્રયાનને ચંદ્રના દક્ષિણ ભાગમાં ઉતારે છે તો આપણને ગર્વ હોવો જોઈએ. ભારત દુનિયાની સૌથી ઝડપથી વધનારી અર્થવ્યવસ્થા બની જાય છે તો આપણને ગર્વ હોવો જોઈએ.