700થી વધુ સેનેટરી ઈન્સ્પેકટર હડતાળ પર ઉતરતાં મુશ્કેલી વધી
સેનેટરી સ્ટાફ દ્વારા ઢોર પકડવાની કામગીરીમાંથી મુક્તિ આપવાની માગણી કરાઈ છે. કર્મચારીઓ પાસેથી આઠ કલાકના બદલે ૧ર-૧ર કલાક સુધી કામ લેવામાં આવે છે.
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ સીએનસીડી વિભાગ દ્વારા શહેરમાંથી રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હેઠળ ઢોર પકડવાની પાર્ટી લોકોને રંજાડતાં ઢોરને પકડી તેને ઢોરવાડાના હવાલે કરે છે, જો કે, આ કામગીરી દરમિયાન ઢોર પાર્ટી પર અનેક વખત માથાભારે તત્ત્વોએ હીચકારા હુમલા કર્યા છે.
દરમિયાન ઢોર પકડવાની કામગીરી કરનારા સેનેટરી ઈન્સ્પેકટર પર હીચકારો હુમલો થતાં તેમને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેના કારણે મ્યુનિ. કોર્પોરેશનના તમામ વિભાગનો સેનેટરી સ્ટાફ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયો છે.
સીએનસીડી વિભાગમાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કિરણ બરંડાની પશ્ચિમ ઝોનમાં કામગીરી માટે નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ પોતાની ફરજ બજાવીને ઘરે જતા હતા ત્યારે એલિસબ્રિજના ભીખાભાઈ ગાર્ડન પાસે અંધારામાં ઊભા રહેલા પશુપાલકોએ લાકડીના ફટકા મારી તેમને લોહીલુહાણ કર્યા હતા.
કિરણ બરંડાને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે અને એલિસબ્રિજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દરમિયાન અમદાવાદ મ્યુનિ. હેલ્થ ટેકનિકલ સ્ટાફ એસોસિએશનના પ્રમુખ રામુ વાઘેલા કહે છે કે, ગઈકાલે આ હીચકારા હુમલાની વિરૂદ્ધમાં કર્મચારીઓએ મ્યુનિ. મુખ્યાલય ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા
અને સીએનસીડી વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મેહુલ પટેલને આવેદનપત્ર સુપરત કરી હુમલાખોરો સામે તત્કાળ કાયદાકીય કાર્યવાહીની કરવાની કરવાની માગણી કરી હતી.
આજથી ૭૦૦થી વધુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, હેલ્થ, સીએનસીડી, મેલેરિયા, હોસ્પિટલ વગેરે ખાતે ફરજ બજાવતો તમામ સેનેટરી સ્ટાફ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયો છે. સેનેટરી સ્ટાફ દ્વારા ઢોર પકડવાની કામગીરીમાંથી મુક્તિ આપવાની માગણી કરાઈ છે.
કર્મચારીઓ પાસેથી આઠ કલાકના બદલે ૧ર-૧ર કલાક સુધી કામ લેવામાં આવે છે. ઉપરાંત દુકાનદારોએ પોતાની દુકાનનું મુર્હૂત પણ ન કર્યું હોય તેવા સમયે તેમની પાસેથી એક અથવા બીજા કારણસર રૂપિયા પાંચ હજારથી લઈને રૂપિયા ૩૦ હજાર સુધીની પેનેલ્ટી લેવાની સેનેટરી સ્ટાફને ફરજ પાડવામાં આવે છે
જેના કારણે દુકાનદારો સાથે પણ ઘર્ષણના બનાવ બને છે. દરમિયાન આજથી શરૂ થયેલી અચોક્કસ મુદ્દતની હડતાળમાં સામેલ થયેલા સેનેટરી સ્ટાફ દ્વારા ઠેર-ઠેર ઝોનલ કચેરીમાં ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રામુ વાઘેલા વધુમાં કહે છે કે,
અન્ય મ્યુનિ. કોર્પોરેશન અને નગરપાલિકાની જેમ સીએનસીડી વિભાગની કામગીરી અમારા સિનેટરી સ્ટાફને ન આપતાં લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરની નિમણૂંક તંત્રે કરવી જોઈએ તેમજ કિરણ બરંડાને તેમની ઈજાના આધારે વળતર ચૂકવવું જોઈએ. દરમિયાન મોડી સાંજે તંત્ર દ્વારા કાર્યવાહીની હૈયાધારણા અપાતા આ હડતાળ સમેટાઈ હોવાનો જાણવા મળે છે.