7000 ભારતીયો દુનિયાના વિવિધ દેશોની જેલોમાં પૂરાયેલા છે, સૌથી વધારે સાઉદીમાં

પ્રતિકાત્મક
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે દુનિયાના વિવિધ દેશોની જેલમાં પૂરાયેલા ભારતીયોની સંખ્યાનો આંકડો જાહેર કર્યો છે.જે પ્રમાણે 7000 જેટલા ભારતીયો વિવિધ જેલોમાં બંધ છે.
રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યુ હતુ કે, આ તમામ ભારતીયોને કાયદાકીય સહાયતા આપવામાં આવી રહી છે.જે તે દેશના ભારતીય દૂતાવાસો આ કામ કરે છે.તેમણે કહ્યુ હતુ કે, 31 ડિસેમ્બર 2020ના આંકડા પ્રમાણે વિદેશી જેલોમાં કેદ ભારતીયોની સંખ્યા 7000 થવા જાય છે.
આ પૈકીના સૌથી વધારે 1599 ભારતીયો સાઉદી અરબની જેલમાં છે.265 ભારતીયો અમેરિકા, 898 ભારતીયો યુએઈ, 411 ભારતીયો કતાર, 886 ભારતીયો નેપાળની જેલમાં બંધ છે.એ જ રીતે 536 ભારતીયો કુવેત, 221 ઈટાલીની જેલમાં અને 63 ભારતીયો પાકિસ્તાનની જેલમાં પૂરાયેલા છે.
તેમણે કહ્યુ હતુ કે, કેટલાક દેશોમાં પ્રાઈવસીના નિયમો આકરા હોવાથી કેદીઓ જ્યાં સુધી સંમતિ ના આપે ત્યાં સુધી જાણકારી આપવામાં આવતી નથી.જોકે ભારતીય દૂતાવાસ તેમના કેસ પર નજર રાખતા હોય છે અને જેલમાં ભારતીયોને કાયદાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે.આ માટે વકીલોની એક પેનલ પણ રાખવામાં આવે છે.ભારત સરકાર પણ ભારતીયોની સજા ઓછી કરવા માટે કોશીશ કરતી હોય છે.