Western Times News

Gujarati News

કુંવરબાઇનું મામેરું યોજનામાં ગુજરાતના 3 જિલ્લાના ૭૧૪૩ નાગરિકોને લાભ મળ્યો

પ્રતિકાત્મક

કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત અમદાવાદ, ગીર સોમનાથ અને આણંદ જિલ્લામાં રૂ. ૮૩૨.૯૮ લાખની સહાય ચૂકવાઈ:સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા

અમદાવાદ, ગીર સોમનાથ અને આણંદ જિલ્લાના ૭૧૪૩ નાગરિકોને લાભાન્વિત કરાયા

વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા દ્વારા કુંવરબાઈનુ મામેરુ યોજના અંતર્ગત અમદાવાદ, આણંદ અને ગીર સોમનાથ જિલ્લામાં મંજૂર કરાયેલી અરજી તથા ચુકવાયેલ સહાય, યોજનાના માપદંડ, પુરાવા તથા કાર્ય પદ્ધતિ અને સમયાંતરે સહાયમાં કરવામાં આવેલા વધારા વિશે માહિતી આપવામાં આવી હતી.

મંત્રીશ્રીએ કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત અમદાવાદ, ગીર સોમનાથ અને આણંદ જિલ્લામાં મંજૂર કરાયેલી અરજીઓ તથા ચુકવવામાં આવેલી સહાય અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે, આ ત્રણેય જિલ્લામાં રૂ. ૮૩૨.૯૮ લાખની સહાય ચૂકવાઈ છે જેમાં ૭૧૪૩ નાગરિકોને લાભાન્વિત કરાયા છે.

અમદાવાદ જિલ્લામાં કુલ ૨૦૯૮ અરજીઓ મંજૂર કરી રૂ. ૨૪૩.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ૩૭૬૦ અરજીઓ મંજુર કરી રૂ. ૪૩૯.૯૦ લાખની સહાય ચૂકવાઈ છે જ્યારે આણંદ જિલ્લામાં ૧૨૮૫ અરજીઓ મંજૂર કરી રૂ. ૧૪૯.૫૮ લાખની સહાય ચૂકવાઈ છે.

મંત્રી શ્રીએ યોજનાની સહાયમાં સમયાંતરે કરાયેલા વધારા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તા. ૨-૦૫-૧૯૯૫માં ૫૦૦૦ સહાય ચૂકવાતી હતી જેમાં ૧૩-૪-૨૦૧૨થી વધારો કરીને ૧૦,૦૦૦ કરવામાં આવી હતી અને તા. ૧-૦૪-૨૦૨૧થી ચુકવાતી રકમમાં વધારો કરીને તેમાં ૧૨ હજાર કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ  કુંવરબાઈનું મામેરું યોજના વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી કાર્યરત છે. કુંવરબાઇનું મામેરું યોજનામાં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા ૧૨ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ યોજનાનો લાભ લેવા માટે ૬ લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને આ આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર છે. પરિવારમાં 2 (બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે કુંવરબાઇનું મામેરું યોજનાનો લાભ મળશે.લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં કુંવરબાઇનું મામેરું યોજનામાં ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.