સુરતથી માતાના મઢ (કચ્છ) સુધી નીકળેલ ૭૫ સાયકલ યાત્રીઓનું અંક્લેશ્વરમાં સ્વાગત કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/2009-Bharuch-1.jpg)
(પ્રતિનિધિ) ભરૂચ, સુરતથી માતાના મઢ (કચ્છ) ૭૫૦ કિ.મીની સાયક્લિંગ યાત્રાએ નિકળેલા જય આશાપુરામાં આસ્થા ગ્રુપના ૭૫ સાયકલિસ્ટ મંગળવારની સવારે અંકલેશ્વરમાં આવી પહોંચતા અંકલેશ્વર – ભરૂચના સાયકલીસ્ટ ગ્રુપના સભ્યોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
લોકોમાં જનજાગૃતિ લાવવા સુરતના જય આશાપુરામાં આસ્થા ગ્રુપ દ્વારા એ હાલો માતાના મઢ (કચ્છ)સુધી સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે.જેમાં ૭૫ સાયકલિસ્ટ ૨૦ સપ્ટેમ્બરે સુરતથી નીકળીને ૭૫૦ કિ.મિનું અંતર કાપીને ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ આશાપુરા માતાના મઢ (કચ્છ) પહોંચશે.
આ સાયકલ યાત્રા દરમ્યાન ૭૫ સાયકલ યાત્રીઓ ૭૫ વૃક્ષારોપણ કરીને દર રોજ ૭૫ મિનિટ માતાજીની આરાધના કરીને લોકોમાં સરકારની યોજના ‘પેડલ ફોર હેલ્થ,પ્રદુષણ મુક્ત ભારત તથા ફિટ ઈન્ડિયા હિટ ઈન્ડિયા’ નો ઉદ્દેશ સાથે સાયકલિંગ કરવાથી થતા ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરશે.
સુરતથી નીકળ્યા બાદ તેઓ મંગળવારની સવારે અંકલેશ્વર ખાતે આવી પહોંચતા અંકલેશ્વર – ભરૂચ સાયકલિંગ ગ્રુપના સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણે તેમનું ભવ્ય સ્વાગત કરી આવકારી તેઓ સહી સલામત આશાપુરા માતાના મઢ (કચ્છ) પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને વડોદરા તરફ રવાના કર્યા હતા.