Western Times News

Gujarati News

75 ટકા સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગ હેત્વીએ “લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ”માં નામ અંકિત કર્યું

(માહિતી) વડોદરા, વડોદરા શહેરની ૭૫ ટકા સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગ ક્રિએટિવ ગર્લ કાંતિભાઈ ખીમસુરીયા શહેરની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ફતેપુરા શાળામાં ધો. ૮માં અભ્યાસ કરી રહી છે. હેત્વી સરેબ્રલ પાલસી જેવા ગંભીર રોગથી પીડિત હોવાથી પાંચ વર્ષે બેસતા અને છ વર્ષે વસ્તુ પકડતા શીખી હતી.

પરંતુ હેત્વીની શીખવાની તડપ અને માતા પિતાના હકારાત્મક વિચારથી આજે હેત્વી ૧૨ વર્ષની ઉંમરે ૧૦૦ જેટલી શૈક્ષણિક પઝલ ઉકેલનાર વિશ્વની પ્રથમ સેરબ્રલ પાલ્સિ બાળકી તરીકે “લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ”માં નામ અંકિત કરીને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે રાજભવનમાં રેકોર્ડ કીટ આપી શાલ ઓઢાડીને હેત્વિનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજયપાલ સમક્ષ પઝલ ઉકેલીને આચર્યચકિત કરી દીધા હતા. અને તેની આર્ટ ગેલેરીનાં ફોટા તેમજ હેત્વીએ મેળવેલ સિદ્ધિની ફાઈલ નીહાળી હતી.
હેત્વી અગાઉ પણ પોતાની કલા આધારિત ચિત્ર, ક્રાફ્‌ટ અને પઝલ ઉકેલીને ગુજરાતની પ્રથમ મનોદિવ્યાંગ દીકરી તરીકે “ગુજરાત બુક ઓફ રેકોર્ડ”માં નામ અંકિત કરી ચૂકી છે ત્યારબાદ “ઇન્ડિયા બુક ઓફ રેકોડ્‌ર્સ-૨૦૨૩”,ઇન્ટરનેશનલ બ્રેવો વર્લ્ડ રેકોડ્‌ર્સ -૨૦૨૩” માં વિશ્વની મલ્ટી ટેલેન્ટેડ દિવ્યાંગ બાળકી તરીકે નામ અંકિત કરી ચૂકી છે.

તેમજ ૨૦૨૨માં કોરોના કાળમાં નવભારત રાષ્ટ્રીય જ્ઞાનપીઠ દ્વારા “કીડ્‌સ અચિવર્સ રાષ્ટ્રીય પુરસ્કાર”મેળવનાર દિવ્યાંગ વિદ્યાર્થીની તરીકે વડોદરાનું ગૌરવ વધારી ચુકી છે. હેત્વી મનોદિવ્યાંગ હોવા છતાં આટલી બધી સફળતા પ્રાપ્ત કરતા ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સ્વાતંત્ર પર્વ નિમિત્તે વડોદરા જિલ્લા કક્ષાએ ઉજવણી નિમિત્તે ડેસર તાલુકા ખાતે થતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સાહેબના હસ્તે “પ્રશસ્તિપત્ર” પ્રાપ્ત કરનાર વડોદરાની એક માત્ર દિવ્યાંગ દિકરી તરીકે સન્માન પ્રાપ્ત કરી ચૂકી છે.

હેત્વી અત્યાર સુધી ૨૭ જેટલી ટ્રોફી ૩૫ જેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે. હેત્વી ૧૧૦ જેટલાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો પ્રાપ્ત કરી ચૂકી છે.હેત્વીના પિતા કાંતિભાઈ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનીની શાળા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા સવારમાં સામન્ય બાળકોની શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સાથે દિવ્યાંગ બાળકો CWSN વિભાગમાં વિશિષ્ઠ કામ કરી દિવ્યાંગ બાળકોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૩માં મેળવી ચૂક્યા છે. તેમની શાળાની વિદ્યાર્થીની હેત્વીના શિક્ષક તેમજ તેના પિતા હોવાથી પૂરી કાળજી રાખી તેમને સામાન્ય જ્ઞાન આપીને એબીસીડી ,ગુજરાતી સ્વર – વ્યંજન, પ્રાણી, પક્ષી, ફળ, શાકભાજી, પોશાક ,આકાર, રંગો, શરીરના મુખ્ય અંગો,વાહનોના નામ , આપણો ખોરાક, આપણા સ્વયંસેવકોના નામ બોલી શકે છે .

૧ થી ૧૦૦૦ અંગ્રેજી આંકડા બોલી વાંચી શકે છે . હેત્વી પોતાની એક આર્ટ ગેલેરી બનાવી છે .જેમાં તેના બનાવેલ આર્ટ ક્રાફ્‌ટ નો સમાવેશ થાય છે પોતાની એક યુટ્યુબ ચેનલ “special child education Activity Hetvi Khimsuriya” નામની youtube ચેનલ ની માલિકી ધરાવે છે. હેત્વી ચાલી શકતી નથી પરંતુ ઘરે ઘરે પોતાની કલા થકી પહોંચી શકી છે. સામન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા રૂપ કાર્ય કરી રહી છે .

ગુજરાતની ૨૫ થી ૩૦ જેટલી શાળાઓમાં હેત્વીના વિડીયો જોઈ અને બાળકો કલા તરફ વાળ્યા છે. હેત્વી પોતાની ખામીને એક બાજુ રાખી કલા થકી પહેચાન બનાવી શકાય તેવો સમાજને સંદેશ આપી રહી છે. હેત્વી હાલના મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી, મહિલા બાળ કલ્યાણ મંત્રી,ગૃહમંત્રી, નાણામંત્રીના હસ્તે સન્માન પ્રાપ્ત કરી ચૂકી છે.

તેમજ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી હેત્વીએ વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકીત કરતાં રૂ .૧૧૦૦૦ ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું.માતા લીલાબેન પોતાની દીકરી માટે સરકારી નોકરી છોડી હેત્વીને ચિત્ર ,ક્રાફ્‌ટ ,પઝલ ઉકેલતા શીખવે છે. હેત્વી એના માતા-પિતા નું એકમાત્ર સંતાન છે. હેત્વી દિવ્યાંગ બાળકો જ નહીં પરંતુ સામાન્ય બાળકોની પ્રેરણા બનતી જાય છે.” દિવ્યાંગતાને નબળાઇ નહી પરંતું શક્તિ બનાવીને સમાજમાં ગૌરવ ભર્યું સ્થાન પ્રાપ્ત કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.