જુવાનજોધ મહિલા અને તેની પુત્રીને જોઇ ૭૫ વર્ષીય ભુવાની ગંદી લાલસા જાગી
રાજકોટ, શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતા દ્વારા ગોંડલના ૭૫ વર્ષીય રત્ના ડાભી નામના ભુવા વિરુદ્ધ આઈપીસી ૩૫૪ એ, ૫૦૮, ૫૦૯ તેમજ પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
૭૫ વર્ષીય ભુવાએ પરિણીતાને કહ્યું હતું કે, નડતર દૂર કરવા માતાજીનું કાર્ય કરવું પડશે, જે માટે તારે અને તારી પુત્રીએ શરીર સંબંધ બાંધવા પડશે.
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતા પાસે ગોંડલના ૭૫ વર્ષીય વૃદ્ધ રત્ના ડાભી દ્વારા અઘટિત માંગણી કરવામાં આવી છે. પરિણીતા છેલ્લા કેટલાય સમયથી સામાજિક તેમજ લગ્ન જીવનમાં કેટલીક તકલીફો સહન કરી રહી છે. જેના કારણે થોડા સમય પૂર્વે તે રત્ના ડાભી નામના ભુવાના સંપર્કમાં આવી હતી.
પોતાની જાતને ભુવા તરીકે ઓળખાવનારા ડાભીએ પરિણીતાને કહ્યું હતું કે, તમારી ઉપર કોઈ વશીકરણ કરી નાખ્યું છે. જો તેમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે એક વિધિ કરાવવી પડશે. જે માટે તમારે રૂપિયા ૧૫૦૦૦ અને તમારી પુત્રીના રૂપિયા ૬,૦૦૦ આપવા પડશે.
એટલું જ નહીં, તમારે અને તમારી પુત્રી સાથે શરીર સુખ બાંધવાથી તમામ તકલીફો પણ દૂર થઈ જશે. ત્યારે સમગ્ર મામલે પરિણીતાએ પોલીસનો સંપર્ક સાધી પોતાની આપવીતી જણાવતા હાલ ભુવાને પોલીસ દ્વારા સકંજામાં લીધો હોય તે પ્રકારની વિગતો જાણવા મળી રહી છે.
મળતી વિગત અનુસાર, શુક્રવારના રોજ ભુવા રત્ના ડાભી ગોંડલથી રાજકોટ મહિલાના ઘરે આવ્યો હતો. ભુવાના આગમનથી તમામ કષ્ટ દૂર થઈ જશે તેવું પરિણીતાને લાગી રહ્યું હતું. પરંતુ ભુવા દ્વારા અભદ્ર માગણી કરવામાં આવતા મહિલા ચોંકી ઉઠી હતી.
ત્યારે ભક્તિનગર પોલીસની તપાસમાં આરોપી અન્ય કોઈ વ્યક્તિઓ પાસેથી આ પ્રકારની અભદ્ર માગણીઓ કરી છે કે કેમ, તે જોવું અતિમહત્વનું બની રહેશે.SS1MS