દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૬૧ કેસ, ૧૨ જણાનાં મોત
નવી દિલ્હી, દેશમાં વધી રહેલા કોરોનાના કેસથી કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ટેન્શન વધારી દીધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમા છેલ્લા ૨૪ કલાકમાં ૭૬૧ કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો છે, જાે કે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૪૩૩૪ થઈ ગઈ છે. ભારતમાં કોરોના ના કેસ ફરી વધવા માંડ્યા છે જેમાં સૌથી ખરાબ સ્થિતિ કર્ણાટક રાજ્યની છે જ્યાં ગઈકાલે ૨૯૮ નવા કેસ નોંધાયા હતા જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪ લોકોના મોતના સમાચાર છે, આ સાથે ચિંતાજનક બાબત એ છે કે કોરોનાનો પોઝિટિવ દર પણ ૩.૪૬ ટકાથી વધીને ૩.૮૨ ટકા થયો હતો.
આ સિવાય વધુમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં ૨૯૮ કેસમાંથી એકલા ૧૭૨ કેસ બેંગલુરુના છે જ્યારે હસન જિલ્લામાં ૧૯, મૈસુરમાં ૧૮ અને દક્ષિણ કન્નડમાં ૧૧ કેસ નોંધાયા છે. જાે કે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૪૩૩૪ થઈ ચૂકી છે.
કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં પણ ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે અને ગઈકાલે કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧ના ૭૮ કેસ નોંધાય હતા જ્યારે અહીં અત્યાર સુધીમાં કુલ ૧૧૦ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૧૭૧ નવા કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૫ ડિસેમ્બર સુધી રોજિંદા કેસની સંખ્યા ઘટીને બેવડા અંકોમાં આવી ગઈ હતી જાેકે કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યા બાદ ફરી કેસમાં વધારો થવા લાગ્યો. જ્યારે કોરોના વાયરસની મહામારી ચરમ પર હતી ત્યારે દરરોજ લાખો કેસ આવી રહ્યા હતા. ૨૦૨૦થી અત્યાર સુધી ભારતમાં ૪.૫ કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૫.૩ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે અને નવા વેરિયન્ટ જેએન.૧ની જાણકારી મળ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવાની અને સતર્ક રહેવાની સૂચના આપી છે. આ ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે. SS2SS