77% ટકા ભારતીયોને આગામી થોડાં મહિનાઓમાં અર્થતંત્રમાં સુધારાની આશા
70% ભારતીયો ઓનલાઇન શિક્ષણ અને વર્ક ફ્રોમ હોમની જરૂરિયાતો પૂર્ણ કરવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદી રહ્યાં છે
મુંબઈ, મુખ્ય ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઇન્ડિયાલેન્ડ્સના નવા સર્વેમાં જાણકારી મળી છે કે, 77 ટકા ભારતીયો અર્થતંત્રમાં સુધારો થવાની અને વ્યવસાયો ફરી બેઠા થવાની આશા ધરાવે છે તથા 27 ટકા ભારતીયોનું માનવું છે કે, આગામી ત્રણ મહિનાઓમાં અર્થતંત્રની ગાડી ફરી પાટે ચઢી જશે. આ સર્વે તહેવારની સિઝન દરમિયાન દેશનો હાલનો મૂડ જાણવા માટે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પ્રાપ્ત થયેલા કેટલાંક તારણોમાંથી આ બે તારણો ઊડીને આંખે વળગ્યાં હતાં.
આ સર્વે પગારદાર અને પોતાની રીતે આજીવિકા મેળવતા આશરે 1700 ઉત્તરદાતાઓ વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો, જે નવેમ્બરમાં પૂર્ણ થયો હતો. એમાં અન્ય કેટલાંક ચકિત કરે એવા તારણો મળ્યાં હતાં: સર્વેમાં સામેલ થયેલા 22 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેમને આગામી ત્રણથી છ મહિનામાં અર્થતંત્રમાં સુધારો થવાની અપેક્ષા છે, ત્યારે 28 ટકા લોકો માનતા હતા કે, અર્થતંત્રમાં સુધારો થવામાં છ મહિનાથી એક વર્ષ લાગી શકે છે, જે લોકો હજુ પણ રોગચાળાથી ભયભીત હોવાનો સંકેત આપે છે.
સર્વેમાં 71 ટકા ઉત્તરદાતતાઓએ જણાવ્યું હતું કે, તેઓ આગામી ત્રણ મહિનાથી છ મહિનાની અંદર પર્સનલ લોન લેવાની યોજના ધરાવે છે. તેમણે પર્સનલ લોન માટે મુખ્યત્વે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર, બિઝનેસ સ્ટાર્ટઅપ્સ, ઘરગથ્થું ઉપકરણો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઘરનું રિનોવેશન કરાવવા નાણાકીય જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ઓછામાં ઓછા 7 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ તેમની કુશળતા વધારવા માટે લોન લેવા ઇચ્છે છે, જે કોવિડ-19ની રોજગારી પર થયેલી અસર તરફ અને નવરાશના સમયમાં નવી કુશળતા હાંસલ કરવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. 31 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું હતું કે, તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોનનો ઉપયોગ કરશે.
ઇન્ડિયાલેન્ડ્સના સ્થાપક અને સીઇઓ ગૌરવ ચોપરાએ કહ્યું હતું કે, “અર્થતંત્ર ધીમે ધીમે પણ તબક્કાવાર રીતે સતત સુધરી રહ્યું છે અને કોરાનાવાયરસ રોગચાળાની અસરમાંથી બહાર આવીને વૃદ્ધિને માર્ગે ફરી અગ્રેસર થઈ રહ્યું છે. વ્યવસાયો બેઠા થવાના અને ઉપભોક્તાનો વિશ્વાસ વધતો હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યાં છે. MSMEs જેવા ઉદ્યોગસાહસો તેમજ યુવા પેઢી સહિત વ્યક્તિગત ધોરણે લોનની અરજીઓમાં વધારો થયો છે તથા આ લોન લેવા માટે વિવિધ કારણો જવાબદાર છે. અમારા લેટેસ્ટ સર્વેમાં જાણકારી મળી છે કે, વ્યવસાયો અને વ્યક્તિઓ જીવનના ‘નવા સ્થિતિસંજોગો’ અપનાવવા અને વર્ષ 2021ની શરૂઆત સકારાત્મકતા સાથે કરવા આતુર છે.”
સર્વેના અન્ય તારણોમાં આ સામેલ છે – આશરે 46 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેમને વોશિંગ મશીન અને ડિશવોશર જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માટે ઘરગથ્થું ખર્ચમાં વધારો થવાની અપેક્ષા છે. 11 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ આ ઉપકરણો ખરીદવા પર્સનલ લોન ખરીદવા ઇચ્છે છે. લોકો ઘરે વધારે સમય પસાર કરતાં હોવાથી ઉત્તરદાતાઓએ એવું પણ જણાવ્યું હતું કે, તેઓ આગામી મહિનાઓમાં ઘરને રિનોવેશન કરવા વિચારશે અને 15 ટકા ઉત્તરદાતાઓએ ઉમેર્યું હતું કે, તેઓ આ માટે લોન લેશે.
ઉપરાંત માર્ચ, 2020થી શાળાઓ, કોલેજો અને ઘણી ઓફિસો બંધ હોવાથી તથા પરિણામે ઘરે ઓનલાઇન શિક્ષણ અને વર્ક ફ્રોમ હોમમાં વધારો થવાથી આશરે 70 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ હવે તેમના બાળકો માટે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર વધારે ખર્ચ કરી રહ્યાં છે, ખાસ કરીને સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપ્ટોપ પર.
લગ્ન અને પ્રવાસના ખર્ચમાં ટકાવારીની દ્રષ્ટિએ મોટો ઘટાડો થયો છે એમાં નવાઈ નથી, જેણે યુવા પેઢીને નજીકના ભવિષ્યમાં સાદા લગ્ન અને બજેટને અનુકૂળ પ્રવાસના વિકલ્પો પર વિચારવા વધુ પ્રેરિત કર્યા છે.
ઇન્ડિયાલેન્ડ્સના સર્વેમાં 18થી 55 વર્ષની વયજૂથના પગારદાર અને પોતાની રીતે આજીવિકા મેળવતા એમ બંને પ્રકારના લોકોને સામેલ કરવામાં આવ્યાં હતાં, જેઓ ટિઅર I અને ટિઅર II શહેરોમાં રહે છે. 41 ટકા ઉત્તરદાતાઓ 25થી 35 વર્ષની વયજૂથના હતા, જેથી આ સર્વે યુવાકેન્દ્રિત હતો.