બેન્કમાં પડેલા સોનાના દાગીના છોડાવી આપવાનું કહી 8.30 લાખની છેતરપિંડી
બે યુવકોને જાળમાં ફસાવી 8.30 લાખની છેતરપિંડી કરી-ત્રણ વિરૂદ્ધ પશ્ચિમ પોલીસ મથક દ્વારા કાર્યવાહી કરાઈ
પાલનપુર, પાલનપુરના બે યુવકો પાસેથી કાફેનો સામાન ખરીદવા અને બેન્કમાં પડેલા સોનાના દાગીના છોડાવ્યા પછી રૂ.૮.૩૦ લાખ ન આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે પાલનપુર, ગોળા અને ડાલવાણાના ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુરના સોનબાગ ગીતા સોસાયટીમાં રહેતા પ્રણયકુમાર કમલેશભાઈ શ્રીમાળીએ પાલનપુર- આબુ હાઈવે નજીક ૧૧ માસના ભાડેથીકેફે ચાલુ કર્યું હતું. જાેકે પ્રણવકુમારને નર્મદા જિલ્લાના તિલકવાડામાં તાલુકા પંચાયત ટેકનિકલ સુપરવાઈઝર તરીકે નોકરી લાગતાં તેમણે કાફેનો સામાન વેચવા કાઢયો હતો.
આથી તેમના મિત્ર સોનબાગના પ્રદીપભાઈ કાંતિભાઈ સોલંકી, પાલનપુરના ગોળા ગામનો ભાવેશભાઈ ઉર્ફે વૈભવ લાલજીભાઈ પરમારે અમદાવાદમાં કાફે બનાવવાનું કહી સરસામાન વેચાતો રાખવા વાત કરી હતી અને અમદાવાદ લઈ જઈ વડગામ તાલુકાના રણજીતસિંહ અભજીજી હડિયોલ સાથે મુલાકાત કરાવી હતી.
ત્રણે જણાએ રૂ.૬,૮૦,૦૦૦માં સામાન વેચાતો રાખ્યો હતો. તેમાં રણજીતસિંહે રૂ.૪ લાખનો ચેક આપ્યો હતો તેમજ પ્રણવના ભાઈ પૃથ્વીને સાથે લઈ જઈ બેંકમાં અડાણપેટે પડેલા રૂ.૧.૮૦ લાખનું સોનું છોડાવી પોતાની પાસે રાખ્યું હતું. દરમિયાન પ્રણવભાઈએ ચેક બેન્કમાં નાંખતા બાઉન્સ થયો હતો.
ત્યારબાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં સોનું પણ પરત માગ્યું હતું. જાેકે ત્રણેય જણાએ રૂ.૬.૮૦ લાખ અને રૂ.૧.પ૦ લાખનું સોનું પરત નહીં આપી ધમકી આપી હતી. આ અંગે પ્રવણકુમારે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.