Western Times News

Gujarati News

રાજ્યમાં ત્રણ વર્ષમાં ૮.૯૪ લાખ લોકોને કૂતરા કરડ્યા

પ્રતિકાત્મક

ગાંધીનગર, છેલ્લા કેટલાક સમયથી મહાનગરોથી લઇને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા કૂતરાઓ (સ્ટ્રીટ ડોગ)ની સંખ્યામાં બેફામ વધારો થયો છે અને તેના કારણે કરડવાની સંખ્યામાં પણ વધારો થયો છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ સુધીના ત્રણ વર્ષ અને ૨૦૨૫ના જાન્યુઆરી માસ મળીને રાજ્યમાં કૂતરા કરડવાના કુલ ૮,૯૪,૬૭૯ બનાવ બન્યા છે. નવાઇની વાત એ છે કે એકલદોકલ બાળકો-વૃદ્ધો ઉપર પણ હવે હુમલો કરતા કૂતરાઓનો આટલો ઉત્પાત છતાં રાજ્ય સરકાર આટલી ખરાબ સ્થિતિને નિયંત્રણમાં લઇ શકી નથી અને ૨૦૨૫ના જાન્યુઆરી મહિનામાં જ ૫૩,૯૪૨ નાગરિકોને કૂતરા કરડ્યા છે.

ગ્રામ પંચાયતથી લઇને મહાનગરપાલિકા અને સરકાર વિવિધ પ્રકારના ટેક્સ નાગરિકો પાસેથી વસૂલ કરે છે પરંતુ કૂતરા કરડવા જેવી બાબતથી પણ મુક્તિ અપાવી શકતી નથી. રસ્તા પર જતો વ્યક્તિ કે વાહન ચાલકને કૂતરાના ત્રાસથી ડરતા રહેવું પડે તેવી સ્થિતિ ધોળે દિવસે પણ થઇ રહી છે.

લોકસભામાં એક સવાલના જવાબમાં રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે કારણકે દર વર્ષે કૂતરા કરડવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં રોજના સરેરાશ ૧૮૦૦ લોકોને કૂતરા કરડે છે. તે જોતા મહાનગરોમાં કૂતરા પકડવાનું કે તેના ખસીકરણની કામગીરી કેટલી કંગાળ હશે તે સ્પષ્ટ છે. કેટલાક રાજ્યને બાદ કરતા ગુજરાતમાં કૂતરા કરડવાનું પ્રમાણ વધારે હોવાનું પણ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.

૨૦૨૫ના જાન્યુઆરીના આંકડા મુજબ ગુજરાતમાં કૂતરા કરડવાના ૫૩,૯૪૨ બનાવ સામે બિહારમાં ૩૪,૪૪૨, દિલ્હીમાં ૩૧૯૬, કર્ણાટકમાં ૩૯,૪૩૭, મધ્યપ્રદેશમાં ૧૬,૧૭૦, મહારાષ્ટ્રમાં ૫૬,૫૩૮, રાજસ્થાનમાં ૧૫,૦૬૨ અને ઉત્તરપ્રદેશમાં ૨૦,૪૭૮ બનાવ બન્યા હતા.

કેન્દ્રના પશુપાલન વિભાગે બેંગલુરુ મહાનગરે કૂતરાઓની સંખ્યા નિયંત્રિત કરવા કરેલી કામગીરીની ખાસ નોંધ લીધી છે. ખસીકરણની ટકાવારીમાં ૨૦ ટકા જેટલી સિદ્ધિ થઇ છે. તેથી કૂતરાઓની વસતીને અને જન્મ નિયંત્રણ અંકુશમાં લઇ શકાયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.