Western Times News

Gujarati News

પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળક સહિત ૮ ડૂબ્યા

એક નાગરિકને તરવૈયાઓએ બચાવ્યોઃ લાપતા ૭ વ્યક્તિની શોધખોળ માટે એનડીઆરએફના જવાનો પણ જોડાયા

પોઈચા, ગુજરાતમાં જળદુર્ઘટનાઓનો સિલસિલો ચાલુ જ છે. નવસારીમાં દાંડીના દરિયામાં નહાતી વખતે ચાર લોકોના મોત પછી આજે પોઈચામાં નર્મદા નદીમાં નહાવા પડેલા સાત લોકો ડૂબી ગયા છે. સુરતના એક જ સોસાયટીમાં રહેતા નાગરિકો પોઈચા આવ્યા હતા અને નદીમાં નહાવા પડ્‌યા હતા ત્યાં એક પછી એક સાત લોકો ડૂબી ગયા છે.

આ ઘટના પછી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે પરંતુ મૃતદેહો હજુ હાથ લાગ્યા નથી. સપ્તાહના આયોજન પછી એક જ સોસાયટીમાં રહેતા શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે પોઈચા સ્નાન કરવા માટે આવ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને ડૂબતી બચાવી હતી.

જ્યારે લાપતા બનેલા ૭ નાગરિકોની શોધખોળ શરૂ કરાઈ હતી. એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ડૂબી ગયેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરતમાં રહેતા પરિવારના સાત સભ્યો પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના બની છે. તેના કારણે રાજપીપળા ટાઉન પોલીસ, ફાયર વિભાગની ટીમ પોઈચા પહોંચી હતી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કુલ આઠ લોકો નદીમાં તણાયા હતા જેમાંથી એકને સ્થાનિક લોકોએ બચાવી લીધો છે, પરંતુ બીજા સાત ડૂબી ગયા છે. આ ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે એક જ પરિવારના ૧૦ સભ્યો નદીમાં નહાવા માટે પડ્‌યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.

પાણીમાં ગરકાવ થયેલા સાત લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા ત્યારે તેમની સાથે આ દુર્ઘટના બની છે.

ડુબી રહેલા લોકોએ બચાવ માટે બૂમો પાડવાનું શરૂ કરતા સ્થાનિક નાવિકો તેમની મદદે દોડી આવ્યા હતા. મૃતકોની ઉંમર ૭ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની છે અને તેઓ એક જ પરિવાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની જાણકારી પ્રમાણે સુરતના સળિયા અહેમદ ગામે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહમાં બલદાણિયા અને હળિયા પરિવાર સંયુક્ત રીતે કામગીરી કરતો હતો. સપ્તાહ પૂર્ણ થયા બાદ આજે ભરતભાઈ અને સોસાયટીના અન્ય લોકો પોઈચા ખાતે ન્હાવા માટે આવ્યા હતા.

સુરતથી કેટલાક લોકો પોતાના વાહનમાં પોઇચા આવ્યા હતા. પરિવારના કેટલાક લોકો કિનારે બેઠા હતા અને આઠ લોકો નર્મદા નદીમાં નહાવા માટે ગયા હતા. નર્મદા નદીના વહેણને પારખવામાં તેઓ થાપ ખાઈ ગયા અને ત્રણ બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા હતા. સ્થાનિક નાવિકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.