ગુજરાત સેમીકનેક્ટ ખાતે 1.04 લાખ કરોડથી વધુના 8 MoU પર હસ્તાક્ષર થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ફેસીલીટીઝની સ્થાપના માટે મળી રહેલા સરકારના પ્રોત્સાહક સહયોગની પ્રશંસા કરી
જેબિલ ઇન્ક – ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ – જેટ્રો – કેન્સ ટેકનોલોજી – ઈન્ફીનીઓન ટેકનોલોજી – સી.જી. સેમી અને NXP સેમિકન્ડક્ટર્સના વરિષ્ઠ અગ્રણી સંચાલકોએ ચર્ચા પરામર્શ કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારતમાં નેધરલેન્ડ્સના રાજદૂત સુશ્રી મારીસા ગેરાર્ડસે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી.
મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૫માં સહભાગી થવા તેઓ ગુજરાતની મુલાકાતે આવેલા છે. મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં તેમણે સેમિકન્ડક્ટર માટે ઉપયોગમાં આવતાં ઉત્પાદનોમાં નેધરલેન્ડ્સની તજજ્ઞતાનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત સાથેની સહભાગીતા માટે અને ભવિષ્યમાં સાથે કામ કરવાની ઉત્સુકતા તેમણે વ્યક્ત કરી હતી. 8 MOUs worth over Rs 1.04 lakh crore signed at Gujarat SemiConnect
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકનેક્ટ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા અન્ય વિદેશી ડેલિગેટ્સ સાથે પણ વન ટુ વન બેઠકોનો ઉપક્રમ યોજ્યો હતો.
તદઅનુસાર, જેબિલ ઇન્કના ગ્લોબલ બિઝનેસ યુનિટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મેથ્યુ ક્રોલી અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાતમાં ધોલેરા અને સાણંદમાં તેમના પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન વિચારાધિન હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રની જે ઇકો સિસ્ટમ ધરાવે છે તેનો લાભ લેવા તેઓ ઉત્સુક છે તેમ તેમણે બેઠકની ફળદાયી ચર્ચા દરમિયાન ઉમેર્યું હતું.
ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના સી.ઈ.ઓ અને એમ.ડી. શ્રી રણધીર ઠાકુરે મુખ્યમંત્રીશ્રીને વન ટુ વન બેઠકમાં મળીને રાજ્ય સરકારના મળેલા સહયોગની સરાહના કરી હતી. ધોલેરામાં રાજ્ય સરકારે પાવર, વોટર, ગેસ જેવી સુવિધા વિકસાવી છે તેમ ત્વરાએ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રોના ચેરમેન અને સી.ઈ.ઓ શ્રીયુત નોરીહિકો ઈસીગુરોએ મુખ્યમંત્રીશ્રી સાથેની બેઠકમાં કહ્યું કે, જેટ્રો ગુજરાત સાથે વાઇબ્રન્ટ સમિટના સમયથી સહભાગી છે.
એટલું જ નહીં ઇન્ડસ્ટ્રી અને એકેડેમીયા કોલોબરેશન માટે પણ ઉત્સુક છે. આ હેતુસર સ્ટાર્ટઅપ્સને જાપાનીઝ કંપનીઝ અને એકેડેમિયા સાથે સહભાગીતા કરવાની તૈયારી તેમણે દર્શાવી હતી. જાપાનમાં આ વર્ષે યોજાનારા ટેકનો એક્સપોમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવવાનું નિમંત્રણ પણ તેમણે પાઠવ્યું હતું.
કેન્સ ટેકનોલોજીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રમેશ કાનન પણ આ વન ટુ વન બેઠકના ઉપક્રમોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. તેમણે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અભિગમને કારણે તેમના સાણંદ પ્લાન્ટ માટે માત્ર ૧૫ જ દિવસમાં જરૂરી મંજૂરીઓ મળી ગઈ તે માટે આભાર દર્શાવ્યો હતો. ગણપત યુનિવર્સિટી સાથે મળીને કેન્સ ટેકનોલોજીએ એક શૈક્ષણિક પ્રોગ્રામ શરૂ કર્યો છે તેનાથી પણ તેમણે મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઇન્ફીનીઓન ટેકનોલોજીના એશિયા પેસિફિકના પ્રેસિડેન્ટ અને એમ.ડી. શ્રીયુત ચુવા અને શ્રી વિનય શિનોયે પણ મુલાકાત કરી હતી અને રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અમદાવાદમાં તેઓ ફેસીલીટીઝ શરૂ કરવામાં રસ ધરાવે છે તેની વિગતો આપી હતી.
તેમણે કહ્યું કે, ગુજરાતની સેમિકન્ડકટર ક્ષેત્રની વિકાસ સંભાવનાઓ અને ઇન્ફીનીઓનની ટેકનોલોજીનો સહયોગ વીન-વીન સિચ્યુએશન બની શકે તેમ છે.
આ ઉપરાંત સી.જી સેમી પ્રાઇવેટ લિમિટેડના શ્રી ચતુર્વેદી અને જેરી એન્ગેસે પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વન ટુ વન બેઠક યોજીને સાણંદમાં તેમના પ્રોજેક્ટ માટે મળેલી સમયસરની મદદ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ વન ટુ વન બેઠકની શૃંખલામાં નેધરલેન્ડ્સની એન.એક્સ.પી સેમિકન્ડક્ટર્સના શ્રીયુત લાર્સ રેજર અને પ્રતિનિધિઓ મળ્યા હતા. તેમણે ઓટોમોટીવ, કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તથા મોબાઇલ ક્ષેત્રોમાં પણ તેમની સેવાઓની વિગતો આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ વન ટુ વન બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ પણ જોડાયા હતા.