રોડ રીપેર કરતાં મજૂરો અને સુપરવાઈઝરને 8 શખ્સોએ ફટકાર્યા
આ અંગે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં આઠ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે
અમદાવાદ, અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બની રહ્યાં છે. શહેરમાં આવા તત્વોથી લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.
સાબરમતિ વિસ્તારમાં વિસત સર્કલ પાસે રસ્તા રિપેરીંગનું કામ ચાલુ હતું તે દરમિયાન અજાણ્યા આઠ શખ્સોએ કામ કરતાં મજૂરોના સુપરવાઈઝરને માર મારીને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તે ઉપરાંત એક ઈસમે કોન્ટ્રાક્ટરને માથામાં લોખંડનો પાઈપ મારીને લોહીલુહાણ કરી નાંખ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે સાબરમતિ પોલીસ સ્ટેશનમાં આઠ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
કર્ણિક વોટા મોટેરા વિસ્તારમાં રહે છે અને પુરોહિત કન્સ્ટ્રક્શન નામથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રોડ રીપેરિંગનું કામ કરે છે. હાલમાં તેમની પાસે ચાંદખેડા વિસત સર્કલથી સાબરમતી અચેરનું રોડ રીપેરિંગનું કામ ચાલુ છે.
ગત પહેલી મેના રોજ રાત્રે દસેક વાગ્યાની આસપાસ અચેર ચાર રસ્તા પાસે અમારી કંપનીના સુપરવાઈઝર કૈલાશ પુરોહિત તથા છ મજૂરો રોડ રીપેરિંગનું કામ કરતાં હતાં. ત્યારે કૈલાશનો ફોન આવ્યો કે સાતેક શખ્સો અહીં અમારા વિસ્તારમાં પુછ્યા વિના કેમ કામ કરો છો એવું કહીને ગાળા ગાળી કરીને મારઝૂડ કરી રહ્યાં છે.
ફરિયાદી કર્ણિક ત્યાં ગયો તો આ શખ્સોએ તેને પણ મારી નાંખવાની ધમકી આપીને ગાળા ગાળી કરી હતી. આ દરમિયાન એક શખ્સે કર્ણિકના માથામાં લોખંડની પાઈપ મારતાં તે લોહી લુહાણ થઈ ગયો હતો. આ દરમિયાન આસપાસના રાહદારીઓ ભેગા થઈ ગયા હતાં. કર્ણિકને શરીર પર ઈજા થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.