ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં નર્મદાના નીર છોડવામાં આવ્યા
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેકટ ચાલુ હોઈ મધ્યપ્રદેશમાં થી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ આવકને પરિણામે ખેડૂતો અને પશુપાલકોને પાણી પૂરૂ પાડવા માટે રાજય સરકાર દ્વારા નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યુ છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતની દશ પૈકી આઠ નદીઓમા નર્મદાના નીર છોડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે આ વિસ્તારના લાખ્ખો ખેડૂતોને સિચાઈની સુવિધા અને પશુપાલકોને પશુઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
પટેલે ઉમેર્યું કે, નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી હયાત એસ્કેપ સ્ટ્રકચરનું સંચાલન કરી હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, મેશ્વો, સાબરમતી, રૂપેણ, પુષ્પાવતી તથા બનાસ મળી કુલ-૧૦ નદીઓમાં નર્મદાના પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે માટે નર્મદા મુખ્ય નહેરમાં પાણીનું વહેણ ૧૧૦૦૦થી વધારીને ૧૩૦૦૦ ક્યુસેક કરવામાં આવ્યું છે. હાલ આ નદીઓ પૈકીની હેરણ , દેવ , કરાડ , કુન , વાત્રક , સાબરમતી , રૂપેણ અને બનાસ મળી કુલ ૮ નદીઓમાં ૧૮૦૬ ક્યુસેક પાણી છોડવાનું શરુ કરી દેવાયુ છે
જયારે મેશ્વો અને પુષ્પાવતી નદીમાં ટૂક સમયમાં પાણી છોડવામાં આવશે. જેના પરિણામે ખાસ જરૂરિયાતના સમયે ના નદીઓમાં નર્મદાનું પાણી ઉપલબ્ધ થવાથી આ વિસ્તારના ખેડૂતોને અને પશુપાલકોને લાભ થશે સાથે સાથે ભૂગર્ભ જળ રીચાર્જ થશે અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી આ વધારાનું પાણી પસાર થતા જળ વિદ્યુત ઉત્પાદનમાં પણ વધારો થશે .
તેમણે ઉમેર્યુ કે, આજે નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૨૬.૭૭ મીટરે છે અને ડેમમાં પાણીનો જીવંત જથ્થો ૨૪૮૧.૬૦ મી.ધન.મીટર હોઈ આ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે હાલમાં જળાશયમાં પાણીનાં ઉપલબ્ધ જથ્થાને લક્ષમાં લઈ આ નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેથી સુકી નદીઓ રીચાર્જ થશે અને નદીની આજુબાજુનાં વિસ્તારનાં કુવાઓ રીચાર્જ થશે તેથી આજુબાજુનાં ગામોમાં ઘરવપરાશ તેમજ પશુઓ-ઢોર-ઢાંખર માટે પાણી ઉપલબ્ધ થશે.
નર્મદા નદીમાં સરદાર સરોવરના હેઠવાસમાં પાવરહાઉસનું પાણી છોડીને લોકોને રાહત પહોંચાડવામાં આવી રહી છે જેનાથી દરિયાની ખારાશનો ફેલાવો નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે.