સુપરન્યુમરી આસિ. કલેક્ટર તરીકે જિલ્લાઓમાં કાર્યભાર સંભાળતા પૂર્વે મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે પ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારીઓ
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના વિકાસના રોલ મોડલ રાજ્ય ગુજરાતને અમૃતકાળના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા માટે યોગદાન આપવાની જન સેવાની વિશિષ્ટ તક મળી છે: મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ૨૦૨૪ની બેચના ગુજરાતને ફાળવાયેલા ૮ યુવા પ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી.
આ પ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારીઓ રાજ્યના ખેડા, અમરેલી, કચ્છ, રાજકોટ, ભરૂચ, તાપી, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક માટે ફાળવવામાં આવ્યા છે. પોતાને ફાળવાયેલા જિલ્લાઓમાં ફરજરત થતાં પહેલા આ અધિકારીઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારીઓને માર્ગદર્શન આપતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસના રોલ મોડલ રાજ્ય એવા ગુજરાતમાં જન સેવાની તેમને જે વિશિષ્ટ તક મળી છે તેને અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા આ યુવા અધિકારીઓ પોતાનુ સંપુર્ણ યોગદાન આપીને ઉજાગર કરશે એવો તેમને વિશ્વાસ છે.
આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, વહિવટી સુધારણા અને તાલિમ પ્રભાગના અગ્ર સચિવ શ્રી હારીત શુક્લ અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતાં.