80 વર્ષના નિંદ્રાધીન વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરાઈ- હત્યા કરનારા કોણ?

(એજન્સી)સિહોર, સિહોર તાલુકાના ઘાંઘળી ગામે પતિના અવસાન બાદ એકલવાયું જીવન જીવતા વૃદ્ધા કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાસી ગયા હતા ત્યારે સિહોરના નાના એવા ગામ ઘાંઘળીમાં ચકચાર મચી જવા પામી હતી અને આ હત્યા શા માટે કરવામાં આવી? હત્યા કરનારા કોણ?
આ બધાનું કારણ અકબંધ રહ્યું હતું. જ્યારે પેનલ પીએમમાં દુષ્કર્મ આચરાયું હોવાનું ખુલતા સિહોર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી કરાયો હતો.
સિહોર તાલુકાના ઘાંઘળી ગામે નિવૃત્ત પોલીસ કર્મચારી કૃષ્ણાલાલ ઉપાધ્યાયનું ઘણા સમય પહેલા બીમારી સબબ અવસાન થયું હતું. તેઓને કોઈ સંતાન ન હતું. તેમનાં અવસાન બાદ તેમનાં વિધવા પત્ની ચંદ્રબાલાબેન ચંદ્રિકાબેન કૃષ્ણલાલ ઉપાધ્યાય (આશરે ઉં.વ. ૮૦) પતિના અવસાન બાદ પોતાના ઘરે એકલવાયું જીવન જીવતા હતા.
ત્યારે ગત તા. ૮-૩ને શનિવારે સાંજના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ચંદ્રિકાબેનનું ગળું દબાવીને તેમની હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ બનાવનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ લોકમુખે એવું પણ ચર્ચાય રહ્યું છે કે, મરણ જનાર પાસે કદાચ કોઈ સોના-ચાંદીનાં દાગીના અથવા તો કોઈ મૂડી હોય તેનાં માટે પણ કોઈ જાણ ભેદુ દ્વારા હત્યા કરવામાં આવી હોય?
આ બનાવ અંગે મરણ જનારના ભત્રીજાના પુત્ર જીતુભાઈ સુરેશભાઈ ઉપાધ્યાય (રે. સિહોર) વાળાએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ અગમ્ય કારણોસર ઘરમાં પ્રવેશ કરી ગળુ દબાવીને હત્યા કરી નાસી ગયેલ હતા. જે મામલે પોલીસે હત્યાની કલમ તળે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રગતિમાન કર્યા હતા. ૮૦ વર્ષિય વૃધ્ધાની હત્યાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.