Western Times News

Gujarati News

અમદાવાદ પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ ૮૨.૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

પ્રતિકાત્મક

ઉત્તર પશ્ચિમ ઝોન ગંદકીના મામલે મોખરેઃ સૌથી વધુ રૂા. ત્રણ લાખનો દંડ વસૂલાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર કચરો નાંખી ગંદકી કરતા એકમો સામે આકરા પગલાં લેવાઈ રહ્યાં છે. આવા એકમોને તાળાં મારીને તંત્ર ભારે પેનલ્ટી વસૂલ કરે છે. જે હેઠળ શહેરના સાત ઝોનપૈકી ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી તંત્રએ ૧૦ એકમોને સીલ કરીને સૌથી વધુ રૂા. ૩.૦૯ લાખનો દંડ વસૂલ્યો હતો.

૨ થી ૮ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન તંત્ર દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોન બાદ દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ ૯૩ એકમોને સીલ કરીને રૂા. ૩.૦૮ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યાર બાદ પશ્ચિમ ઝોનમાં છ એકમને સીલ કરી રૂા. ૨.૬૦ લાખતી વધુનો દંડ,

મધ્ય ઝોનમાં સાત એકમોને સીલ કરી રૂા. ૨.૩૨ લાખનો દંડ, પૂર્વ ઝોનમાં ૩૦ એકમને સીલ કરી રૂા. ૧.૯૯ લાખનો દંડ અને ઉત્તર ઝોનમાંથી એક એકમને સીલ કરી સૌથી ઓછો ૧.૩૫ લાખનો દંડ તંત્ર દ્વારા વસૂલવામાં આવ્યો હતો.
છેલ્લા અઠવાડિયામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કુલ ૧૪૯ એકમનેસીલ કરીને કુલ રૂા. ૧૬.૫૯ લાખથી વધુનો દંડ વસૂલતાં જાહેરમાં ગંદકી કરતા એકમોના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના મામલે તંત્રે પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ ૧૧૧૭ એકમ તપાસીને કુલ ૮૨.૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યાે હતો. આ મામલે તંત્રએ ૧૩૪ એકમને નોટીસ ફટકારીને રૂા. ૧.૦૨ લાખનો દંડ પણ વસૂલ્યા ેહતો.

ત્યાર બાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી ૪૫.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઝોનના ૨૮૦ એકમને તપાસીને ૭૪ કસૂરવાર એકમને નોટિસ ફટકારીને રૂા. ૮૭,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

મધ્ય ઝોનમાં ૪૦૨ એકમોની તપાસ કરીને ૩૪.૯૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઝોનમાં તંત્રએ ૧૨૦ એકમને નોટિસ ફટકારીને રૂા. ૬૬,૩૦૦નો દંડ વસૂલ્યો હતો.

ઉત્તર ઝોનમાં ૩૨.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને તંત્રએ તપાસેલા ૩૬૯ એકમ પૈકી ૮૭ એકમોને નોટિસ આપીને કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી રૂા. ૭૩,૮૦૦ નો દંડ વસૂલ્યો હતો.

દક્ષિણ ઝોનાંથી ૧૯.૪ કિલો અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી સૌથી ઓછો ૧૯.૨ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને તંત્રેએ ગયા અઠવાડિયામાં કુલ ૩,૭૩૫ એકમને તપાસીને ૬૬૨ એકમને નોટિસ ફટકારી હતી તેમજ કુલ ૨૫૫.૯ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરીને કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી રૂા. ૬.૧૯ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.