Western Times News

Gujarati News

ડીલરશીપની લાલચે દાહોદમાં ૮૨.૮૬ લાખ પડાવનારા બે સગીર પકડાયા

દાહોદ, એથર ઈલેક્ટ્રીક વ્હીકલ કંપનીનું બોગસ વેબપેજ બનાવી દાહોદના એક વ્યક્તિને ડીલરશીપ આપવાની લાલચ આપી રૂપિયા ૮૨.૮૬ લાખ ઉપરાંતની ઠગાઈ કરનાર બે સગીર વયના સાયબર ફ્રોડસ્ટરને દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે બિહાર શરીફ (નાલંદા) થી ઝડપી પાડ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

બિહારના બે સગીર સાયબર ફ્રોડસ્ટરે એથર ઈલેક્ટ્રિક વ્હીકલ કંપનીનું બોગસ વેબપેજ બનાવી દાહોદના એક વ્યક્તિને ડીલરશીપ આપવાની લાલચ આપી હતી. અને તે વ્યક્તિ પાસેથી અલગ અલગ પ્રોસેસ ફીના નામે અલગ અલગ સમયે રૂપિયા ૮૨,૮૬,૫૧૪/-પડાવી લીધી હતી.

ત્યારબાદ તે વ્યક્તિને ડીલરશીપ ન આપતા અને તે વ્યક્તિએ આપેલ પૈસા પણ તે વ્યક્તિને પરત ન કરતા આખરે સગાઈનો ભોગ બનેલા તે વ્યક્તિએ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો.

જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સને ટેકનિકલ સર્વિલન્સના આધારે બંને સગીર સાયબર ફ્રોડસ્ટરોને બિહાર શરીફથી ઝડપી પાડ્યા હતા. અને બંને આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા પાંચ લાખ રોકડા, એક ફોરવીલ ગાડી , પાંચ મોબાઇલ ફોન, ત્રણ એટીએમ કાર્ડ, સાત બેંક પાસબુક , એક ચેકબુક, એક ડોંગલ સહિત કુલ રૂપિયા ૧૩.૧૨ લાખનો મુદ્દા માલ કબજે કર્યાે છે.

સાઇબર ક્રાઇમમાં હવે સગીર વયના બાળકો પણ સંડોવાઈ રહ્યા છે. જે ખરેખર એક ચિંતાજનક બાબત છે. આ બંને સગીર વયના આરોપીઓએ ડીલરશીપ માટે અલગ અલગ પ્રોસેસ ફીના નામે ઠગાઈનો ભોગ બનેલ વ્યક્તિ પાસેથી માતબર રકમ પડાવી હતી.

પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ બંને સગીર આરોપીઓએ અન્ય કેટલા વ્યક્તિઓને પણ આવી રીતે જ ઠગાઈનો ભોગ બનાવ્યા તે બાબતે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.