અમદાવાદના કોટ વિસ્તારમાં પ્રદુષિત પાણીની 8404 ફરિયાદ
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં પ્રદુષિત પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. મ્યુનિ. કોર્પો. દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીમાં ડહોળાશ અને દુર્ગંધની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. ખાસ કરીને કોટ વિસ્તારના તમામ વોર્ડમાં પ્રદુષિત પાણી અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધી રહયું છે.
મધ્યઝોનમાં ર૦ર૩ના વર્ષ દરમિયાન માત્ર પ્રદુષિત પાણીની જ ૮ હજાર કરતા વધુ ફરિયાદો નોંધાઈ છે જયારે સમગ્ર શહેરમાં -…. ફરિયાદો આવી છે આ ઉપરાંત શહેરના પોશ વિસ્તાર ગણાતા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પાણી સપ્લાય ન થવાની સમસ્યા પણ જોવા મળી હતી.
અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા દૈનિક ૪૦૦ એમએલડી કરતા પણ વધુ પાણી સપ્લાય કરવામાં આવે છે મ્યુનિ. કોર્પો.ના દાવા મુજબ નર્મદા કેનાલમાંથી આવતા પાણીને ટ્રીટ કર્યા બાદ જ નાગરિકોના ઘર સુધી સપ્લાય કરવામાં આવે છે પરંતુ તંત્રના આ દાવા ક્યાંક ખોટા સાબિત થઈ રહયા છે શહેરના અનેક વિસ્તારોમાં દુર્ગંધયુકત અને ડહોળાશ વાળા પાણી સપ્લાય થાય છે.
પાણીના પ્રદુષણના કારણે કોલેરા, કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલ્ટી જેવા પણ રોગ વકરી રહયા છે જે અંગે ગત સપ્તાહમાં જ કમિશ્નરે રીવ્યુ બેઠકમાં આ અંગે ગંભીર નોંધ લીધી હતી. શહેરના કોટ વિસ્તારના નાગરિકો પ્રદુષિત પાણી, પાણી સપ્લાય ન થવું તેમજ અપુરતા પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહયા છે. છેલ્લા એક વર્ષમાં કોટ વિસ્તારના નાગરિકોએ માત્ર પ્રદુષિત પાણીની જ ૮૦૦૪ ફરિયાદ કરી હતી. કોટ વિસ્તારના જમાલપુર વોર્ડમાંથી પ્રદુષિત પાણી અંગેની સૌથી વધુ ફરિયાદો જોવા મળી હતી.
શહેરમાં પ્રદુષિત પાણીની સાથે સાથે પાણી સપ્લાય ન થવા કે અપુરતા પ્રેશરથી પાણી સપ્લાય થવા અંગેની ફરિયાદો મોટી સંખ્યામાં બહાર આવી રહી છે શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં અપુરતા પ્રેશરની સમસ્યા ગંભીરરૂપ ધારણ કરી રહી છે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રદુષિત પાણી અંગે સોમવારે મળેલી માસિક સામાન્ય સભામાં નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં ઉગ્ર દેખાવ પણ કરવામાં આવ્યા હતાં.