વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝાના બહાને ૮૬.૨૦ લાખ પડાવ્યા

અમદાવાદ, રામોલમાં ત્રણ ગઠિયા કન્સ્લટન્સી ઓફિસ ખોલીને વિદ્યાર્થીઓને વર્ક પરમિટ તેમજ સ્ટુડન્ટ વિઝા અપાવીને વિદેશ મોકલવાના બહાને ચાર લોકો પાસેથી કુલ રૂ. ૮૬.૨૦ લાખ પડાવી ફરાર થઇ ગયા છે. આ અંગે વિદ્યાર્થીએ ત્રણેય ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
મણિપુરમાં રહેતો મન બ્રહ્મભટ્ટે ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. સુધીનો અભ્યાસ કર્યાે છે. તેને યુ.કે.માં એમબીએનો અભ્યાસ કરવા જવું હોવાથી તપાસ શરૂ કરી હતી. તેના એક સંબંધીની ફાઇલ વસ્ત્રાલમાં આવેલા આર્કસ વર્લ્ડ વાઇડ એક્સોમાં મૂકી હતી.
તેથી મન તેની માતા અને સંબંધી સાથે આર્કસ વર્લ્ડ વાઇડની ઓફિસે પહોચ્યો હતો. ત્યાં નિરવ રાવલ, મયંક ઓઝા અને વિષ્ણુ પટેલ મળ્યા હતા અને ત્રણેય ભાગીદારીમાં ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. તે સમયે નિરવે મિડલસેક્સ યુનિવર્સિટી નોર્થ લંડનમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા સૂચન કર્યું હતું.
મને હા પાડતા નિરવે યુનિવર્સિટી ફી, વિઝા ફી સહિત કુલ રૂ. ૩૦ લાખ થશે અને અડધા રૂપિયા રોકડ અને બાકીના બેન્ક મારફતે આપવાનું કહ્યું હતું.
બાદ મને તેના ડોક્યુમેન્ટ આપીને પ્રોસેસ કરવા કહ્યું હતું ત્યારે મનના દાદાએ પોતાના વતન ઇડરમાંથી રૂ. ૯ લાખની ગોલ્ડ લોન લઇને નિરવને આપ્યા હતા. બાદમાં પ્રોસેસ અને અન્ય ફી તથા બહાના બતાવીને ત્રણેય ગઠિયાએ રૂ. ૩૦ લાખ પડાવી લીધા હતા.
ત્યારબાદ લંડનની યુનિવર્સિટીનો લેટર પણ મોકલ્યો હતો તે પણ ખોટો હતો. ત્યારે મન અવારનવાર ફોન કરતા નિરવ સહિત ત્રણેય બહાના બતાવતા હતા. તપાસ કરતા ત્રણેયે આ રીતે અન્ય ત્રણ લોકો પાસેથી પણ કુલ રૂ. ૮૬.૨૦ લાખ પડાવ્યા હતા.SS1MS