86 લાખનું બિલ ફટકાર્યું વીજ કંપનીએ ટેલરિંગની નાની દુકાનને
વલસાડ, વલસાડ પાલિકા હસ્તકના એમ.જી. માર્કેટમાં ન્યુ ફેશન ટેલર નામને ચાલતી માત્ર ૮ની સાઈઝની ટેલરિંગની દુકાનના માલિકને ગત શનિવાર તા.ર૩-૧૧-ર૪ના રોજ સાંજના દ.ગુ. વીજ કં.લિ.નો કર્મચારી લાઈટબિલ આપી ગયો હતો. દુકાનમાં ઘરાકી વધુ હોવાથી તેમણે લાઈટ બિલ ચકાસ્યું નહોતું.
બીજા દિવસે રવિવારે બપોર બાદ લાઈટબિલ જોયું તો બિલની રકમ રૂ.૮૬,૪૧,પ૪૦.૯૧ પૈસા જોતાં જ દુકાન માલિકના હોંશ ઉડી ગયા હતા. ગભરાઈ ગયેલા દુકાનદારે મિત્રની સલાહ મુજબ તેમના ગ્રાહક નંબરને આધારે ઓનલાઈન તપાસ્યું તો બિલની રકમ ૮૬.૪૧ લાખ જ હોવાનું જણાયું હતું જેથી વીજ કંપનીમાં ફોન કર્યો પરંતુ રવિવાર હોવાથી કચેરી બંધ હતી
જે બાદ સોમવારે સવારે દુકાનનું લાઈટ બિલ સાથેનું લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હ તો. ઘટનાની જાણ વીજ કંપનીને થતાં તેમણે તપાસ કરાવતા સામાન્ય માનવીય ભૂલ હોવાનું જણાયું હતું.
હકીકતમાં દુકાનદારના વીજ મીટરનું રીડિંગ લેવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીએ મીટરનું હાલનું રીડિંગ ૧૦ર૧૮ હતું તેને બદલે ભૂલથી ૧૦૧૦ર૧૮ ટાઈપ કરી દેતા વપરાશ ૧૦૦૦૧૬૪ યુનિટ જેટલું ગણીને બિલ રૂ.૮૬,૪૧,પ૪૦.૯૧ પૈસા તૈયાર કરાયું હતું. દુકાનદારને તાત્કાલિક સુધારેલું બીજું બિલ મોકલી અપાતા તેમના જીવમાં જીવ આવ્યો હતો. દુકાનદારે કોઈ કાર્યવાહી કરી નહોતી.