Western Times News

Gujarati News

PRESS લખેલી કારમાંથી ૮૮ બોટલ દારૂ ઝડપાયો

પત્રકારત્વની આડમાં દારૂની ખેપ મારતા હિંમતનગરના બુટલેગરને પોલીસે દબોચ્યો

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી-સાબરકાંઠામાં બિલાડીની ટોપની માફક નકલી પત્રકારો ફૂટી નીકળ્યા છે પત્રકારત્વની આડમાં ગેરકાયદેસર ધંધા પણ કરતા હોવાની પત્રકાર આલમમાં ચર્ચાએ જાેર પકડ્યું છે ત્યારે શામળાજી પોલીસે પાલ્લા ગામ નજીક પ્રેસ લખેલી કારમાંથી ૨૫ હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી કહેવાતા હિંમતનગરના પત્રકાર હિતેશ ડાહ્યા પટેલ નામના બુટલેગરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પ્રેસ લખેલી કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

શામળાજી પોલીસે ભિલોડા હાઇવે પર પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાન તરફથી દારૂ ભરેલી પ્રેસ લખેલી વેગનઆર કાર પસાર થવાની હોવાની બાતમી મળતા સતર્ક બની બાતમી આધારીત વેગનઆર કારને અટકાવી તલાસી લેતા કાર ચાલકે પત્રકાર હોવાનો અને કારમાં કોઈ વાંધાજનક ચીજવસ્તુ ન હોવાનું રોફ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસ કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારુની બોટલ નંગ-૮૮ કીં.રૂ.૨૫૩૦૦/- નો જથ્થો જપ્ત કરી હિતેશ ડાહ્યા પટેલ (રહે,એસકે બેંક સોસાયટી, ગાયત્રી મંદિર રોડ-હિંમતનગર) ને દબોચી લઇ તેની પાસેથી અપંગ વિકાસ દૈનિકના ગુજરાત સબ એડિટર લખેલું આઈ કાર્ડ તેમજ કાર મોબાઈલ સહીત ૨.૩૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કહેવાતા પત્રકારને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કારમાં દારૂ ભરી આપનાર અજ્જુ ઉર્ફે અજય નામનો બુટલેગર અને દારૂ મંગાવનાર અમદાવાદના રાજા સિંધી નામના શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.