Western Times News

Gujarati News

કેન્દ્રના કર્મચારીઓના પગાર-પેન્શનમાં વધારો થશેઃ 8માં પગાર પંચને મંજૂરી

આઠમાં પગાર પંચને મંજૂરી અપાઈ-ટૂંક સમયમાં કમિટીની રચના અને પ્રક્રિયા શરૂ થશે, પગાર-પેન્શનમાં વધારો થશે

નવી દિલ્હી, મોદી સરકારે નવા વર્ષના પહેલા જ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓને ઘણો ફાયદો થશે. આપને જણાવી દઈએ કે, સાતમા પગાર પંચની ટર્મ વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થઈ રહી છે.

જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય કેન્દ્રીય કેબિનેટે ૩,૯૮૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ત્રીજા લોન્ચ પેડને પણ મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી અવકાશ સંશોધન અભિયાન (સ્પેસ રિસર્ચ અભિયાન)ને વધુ વેગ મળવાની સંભાવના છે.

કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્ર સરકારે ૮મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. આઠમુ પગાર પંચ ૨૦૨૬થી લાગુ થશે, આઠમા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે.

કેન્દ્ર સરકારના ૧ કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો ૮મા પગાર પંચની જાહેરાતની લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા. દર ૧૦ વર્ષે નવું પગારપંચ લાગુ કરવાની પરંપરાને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે બજેટ ૨૦૨૫ દરમિયાન ૮મા પગાર પંચની જાહેરાત થઈ શકે છે. જોકે, બજેટ પહેલા જ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે સરકાર દર ૧૦ વર્ષે પગાર પંચની રચના કરે છે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર તેની ભલામણોના આધારે નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સાત પગાર પંચની રચના કરવામાં આવી છે. દેશમાં પ્રથમ પગાર પંચની રચના જાન્યુઆરી ૧૯૪૬માં કરવામાં આવી હતી.

અગાઉના એટલે કે સાતમા પગાર પંચની રચના ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી. આ કમિશનની ભલામણો વર્ષ ૨૦૧૬માં લાગુ કરવામાં આવી હતી. જે બાદ કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રેલવે યુનિયન સહિત ઘણા કેન્દ્રીય સરકારી એકમોએ ૮માં પગાર પંચની માંગ ઉઠાવી હતી.

છેલ્લા પગાર પંચની રચનાને ૧૦ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. સામાન્ય રીતે આગામી પગાર પંચ દર ૧૦ વર્ષે રચાય છે. જૂના પગાર પંચની જગ્યાએ નવા પગાર પંચની ભલામણોના અમલીકરણ વચ્ચે સામાન્ય રીતે ૧૦ વર્ષનો ગાળો હોય છે. આ પરિસ્થિતિમાં આઠમા પગાર પંચની રચના જરૂરી બની ગઈ હતી.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ સાતમા પગાર પંચની રચના કરવામાં આવી હતી. સાતમા પગાર પંચે લગભગ દોઢ વર્ષ પછી નવેમ્બર ૨૦૧૫માં કેન્દ્ર સરકારને તેની ભલામણો સુપરત કરી હતી. તે પછી ૭મા પગાર પંચની ભલામણો ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી અમલમાં આવી, જે હાલમાં પણ અમલમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.