Western Times News

Gujarati News

કેન્દ્રીય બજેટમાં ૮મા પગાર પંચની દરખાસ્તો મંજૂર થવાની શક્યતા

(એજન્સી)નવી દિલ્હી, નાણામંત્રી નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓએ પોતાની માંગણીઓ બજેટમાં રજૂ કરી છે. કર્મચારીઓની તમામ માંગણીઓમાં ૮માં પગારપંચની રચના સૌથી અગ્રણી માંગણીઓમાંની એક છે. અગાઉ, ૬ જુલાઈએ કેબિનેટ સચિવને લખેલા પત્રમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘે બજેટ ૨૦૨૪ પહેલા તેની માંગણીઓ રજૂ કરી હતી.

આ ઉપરાંત કર્મચારી સંઘે ૮મા પગાર પંચની રચના માટે સરકારને પ્રસ્તાવ પણ આપ્યો છે. એવી અપેક્ષા છે કે ત્રીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર બજેટમાં ૮મા પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે. ૨૦૨૪-૨૫ના બજેટમાં સરકારી કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકારને ૮મા પગાર પંચનો પ્રસ્તાવ મળ્યો છે, જેના દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના વર્તમાન પગાર, ભથ્થા અને લાભોની સમીક્ષા કરી શકાશે. આ પ્રસ્તાવ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને મોકલવામાં આવ્યો છે જેથી કરીને આગામી બજેટમાં તેને સામેલ કરવામાં આવી શકે.

૮મા પગાર પંચની દરખાસ્ત ઃ નેશનલ કાઉન્સિલ એમ્પ્લોઈઝના સંયુક્ત સલાહકાર મશીનરીના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ૮મા પગાર પંચના ગઠનની મગાણી કરી છે. દર ૧૦ વર્ષે, એક કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવે છે, જે સરકારી કર્મચારીઓના પગાર માળખા, ભથ્થાં અને લાભોની સમીક્ષા કરે છે અને ફુગાવાના આધારે જરૂરી ફેરફારો સૂચવે છે.

અગાઉના ૭મા પગાર પંચની રચના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની સરકાર દ્વારા ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ રજૂ વચગાળાના બજેટમાં કરવામાં આવી હતી. તેની ભલામણો ૧ જાન્યુઆરી ૨૦૧૬થી અમલમાં આવી હતી. વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન આ પ્રથમ વખત બનશે જ્યારે નવા પગાર પંચની રચના કરવામાં આવશે. સામાન્ય રીતે દસ વર્ષના અંતરાલ મુજબ, ૮મું કેન્દ્રીય પગાર પંચ જાન્યુઆરી ૧, ૨૦૨૬ થી શરૂ થવાની દરખાસ્ત છે. જો કે, સરકારે હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.

૮મા પગારપંચના ગઠનથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગાર, ભથ્થા અને પેન્શનમાં સંભવિત વધારાનો લાભ મળી શકે છે. તેનાથી તેમની ખરીદ શક્તિમાં વધારો થશે. તેનાથી જીવનધોરણ સુધરશે. મોદી સરકારે નક્કી કરવું પડશે કે પગાર પંચની રચના સમયસર થવી જોઈએ અને તેની ભલામણો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં હોવી જોઈએ.

૨૦૨૪-૨૫ના બજેટમાં આ પ્રસ્તાવના સમાવેશથી સરકારી કર્મચારીઓને સકારાત્મક સંદેશ જશે અને તેઓ સમયસર પગાર પંચના સૂચિત ફેરફારોનો લાભ મેળવી શકશે. બજેટ ૨૦૨૪-૨૫માં ૮મા પગાર પંચની જાહેરાત સાથે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં સકારાત્મક ફેરફારોની અપેક્ષા રાખી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.