Western Times News

Gujarati News

9 રેલવે સ્ટેશનો અને મોટા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મેરઠના સ્ટેશન માસ્તરને ધમકીભર્યો પત્ર મળ્યો – તંત્ર દોડતું થયું

મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠમાં સિટી રેલવે સ્ટેશન માસ્તરને મંગળવારે બપોરે ૩.૩૦ વાગ્યે પોસ્ટ દ્વારા એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં મેરઠ સહિત ઉત્તર પ્રદેશના નવ રેલવે સ્ટેશન અને મોટા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ખુલ્લી ધમકી આપવામાં આવી છે.

આ પત્રમાં જણાવાયું છે કે મેરઠ સહિત કેટલાય જિલ્લામાં રેલવે સ્ટેશનને ર૬ નવેમ્બરે અને મંદિર સહિતનાં ધાર્મિક સ્થળને ૬ ડિસેમ્બરે બોમ્બથી ફૂંકી દેવામાં આવશે. આ ધમકી પત્ર મળ્યા બાદ રેલવે પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને પત્ર અંગે રેલવે કંટ્રોલરૂમથી તમામ સ્ટેશનને જાણ કરીને હાઈએલર્ટ મોડ પર મૂકી દેવાયા છે.

ત્યારબાદ જીઆરપીએ રેલવે સ્ટેશન ઉપર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. મેરઠ સિટી રેલવે સ્ટેશનના અધિક્ષકના નામે મોકલવામાં આવેલા આ પત્રમાં ધમકી આપનારે લખ્યું છે કે, હું મારા જેહાદીઓના મોતનો બદલો લઈને જ ઝંપીશ. ખુદા મને ાફ કરી દેશો, પરંતુ અમે હિંદુસ્તાનને તબાહ કરી દઈશું. ર૬ નવેમ્બરે અમે ગાઝિયાબાદ, હાપુર, મેરઠ, મુઝફફરનગર, અલીગઢ, ખુર્જા, કાનપુર, લખનૌ અને શાહજહાપુર સહિત કેટલાય રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દઈશું.

એ જ રીતે અમે ૬ ડિસેમ્બરે અયોધ્યાના હનુમાન ગઢી, રામજન્મ ભૂમિ, અલાહાબાદ, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફફરનગર અને સહારનુર સહિત યુપીનાં કેટલાય મોટા મંદિરને બોમ્બથી ફૂંકી મારીશું.

આ પત્ર રજિસ્ટર્ડ પોસ્ટથી આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના નામે મોકલવામાં આવ્યો છે. આ પત્ર મળ્યા બાદ મેરઠના રેલવે સ્ટેશન અધિક્ષક આર.પી.સિંહે જીઆરપી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.

ત્યારબાદ હરકતમાં આવેલા જીઆરપી અને આરપીએફએ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને લઈને રેલવે સ્ટેશનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે અને રેલવે સ્ટેશનોની સુરક્ષા માટે વધુ જવાનો તહેનાત કર્યા છે.

સાથે સાથે રેલવે સ્ટેશન પર મેટલ ડિટેકટરની મદદથી પ્રવાસીઓ અને સ્ટેશન સંકુલનું સતત ચેકિંગ કરવામાં પણ આવી રહ્યું છે. શકમંદ દરેક વસ્તુ અને વ્યક્તિની તલાશી લેવામાં આવી રહી છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.