શિલજ અને ઓગણજ અંડરપાસ સહિત 9 ફ્લાયઓવરને ADB લોન હેઠળ મંજૂર કરવામાં આવ્યા
6 લેનનો SP રીંગ રોડ તૈયાર થઈ જતાં નાગરિકોને ટ્રાફિકમાંથી છૂટકારો મળશે-એસપી રિંગ રોડને છ લેનનો બનાવવાની કામગીરી પૂરજોશમાં -એસપી રિંગ રોડ પર ભારે ટ્રાફિકથી મળશે રાહત
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિસની સમસ્યા વકરતી જાય છે. શહેરની બહારના વિસ્તારોમાં પણ ટ્રાફિક વધી રહ્યો છે. તેવામાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઔડા આગામી પાંચથી સાત વર્ષમાં ભારે ટ્રાફિકની અપેક્ષા રાખીને એસપી રિંગ રોડને છ લેનનો બનાવવાની યોજના બનાવી રહી છે. ઔડાની આ યોજના ઝડપથી અમલમાં આવી શકે છે.
ઔડાએ આ પ્રોજેક્ટ અંગે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ટ્રાન્સલિંકને રોક્યા છે. આ માટેનો અંદાજીત ખર્ચ ૮૦૦ કરોડ રૂપિયા છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ડીઆરપીમાં સિક્સ લેન રોડની ડિઝાઈન, ટ્રાફિક, સર્વે દ્વારા જંક્શન પર નવા ફ્લાયઓવરની ઓળખ કરવી તથા રિંગ રોડની પશ્ચિમ અને પૂર્વ બંને બાજુએ અનુક્રમે ભાટ અને કમોદ નદીના બ્રિજના રિનોવેશન અથવા તો એક્ટેન્શનનો પણ સમાવેશ થાય છે.
ઔડા દ્વારા તેની ૨૭૪મી બોર્ડ મીટિંગ દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટ માટે નવી જમીન સંપાદનની જરૂર પડશે નહીં કારણ કે ઔડા હાલના ૬૦ મીટર રાઈટ ઓફ વેનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. વર્તમાન રસ્તાની પહોળાઈ ૬૦ મીટર છે, જેમાં દરેક બાજુ અલગ અલગ પહોળાઈના સર્વિસ રોડ છે.
વિસ્તરણ પશ્ચિમ ભાગમાં દરેક બાજુ ૪૨-મીટર મુખ્ય કેરેજવે અને ૯ મીટરના સર્વિસ રોડને જાળવી રાખશે. પૂર્વ ભાગમાં હાલની પહોળાઈ ૭૮ મીટર છે જેમાં ૪૨ મીટર મુખ્ય માર્ગની દરેક બાજુએ ૧૮-મીટર સર્વિસ રોડ જાળવવામાં આવશે. ઔડાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દરેક લેન ૩.૫ મીટર પહોળી હશે જેનાથી અમે સર્વિસ રોડ પર રાખી શકીશું. આ પ્રોજેક્ટ માટે જે ખર્ચ થવાનો છે તેના માટે ઔડા ત્રણ ફન્ડિંગ વિકલ્પો અંગે વિચાર કરી રહી છે.
જેમાં એક છે ટોલ કલેક્શન સાથે સેલ્ફ-ફંડિંગ. બીજુ છે બિલ્ડ-ઓપરેટર ટ્રાન્સફર મોડલ અને ત્રીજુ છે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ. આ ત્રણમાંથી કયા વિકલ્પને પસંદ કરવો તેનો આધાર જે ડીપીઆર પસંદ કરવામાં આવશે તેના એનાલિસિસ પર નિર્ભર રહેશે. ઔડાના અધિકારીએ જણાવ્યું હતું કે, ફંડિંગ માટે કયો વિકલ્પ પસંદ કરવો તે ડીઆરપીના અંતિમ નિર્ણયના મૂલ્યાંકન પછી લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં શિલજ ખાતેના એક અને ઓગણજ અંડરપાસ સહિત નવ ફ્લાયઓવરને ઔડા માટે એડીબી લોન હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે.
જે પૈકી બે વર્ક પેકેજ મંજૂર કરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નવા ડીપીઆરમાં જો નવા જંકશન પર ફ્લાયઓવર બનાવવાની જરૂર હશે તો તેની વિગતો કન્સલ્ટન્ટ દ્વારા ડીપીઆરમાં મૂકવામાં આવશે. ૨૦૦૬માં બોટ કરાર હેઠળ બાંધવામાં આવેલ એસપી રીંગ રોડ પર ટ્રાફિકમાં ઘણો વધારો જોવા મળ્યો છે. ૨૦૧૭માં સિક્સ-લેન વિસ્તરણને મંજૂરી આપવામાં આવી હતી.
કન્સેશનર કંપની એર્રીલએ ૨૦૧૯માં ૨૦૦ કરોડ રૂપિયાના વિસ્તરણ માટે ભંડોળ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં તેમની કન્સેશન અવધિ લંબાવવાની શરત હતી. ઔડાએ કંપનીની આ શરતને નકારી કાઢી હતી અને ખર્ચ આકારણી માટે થર્ડ પાર્ટી સલાહકારની નિમણૂક કરવાનું પસંદ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, એર્રીલ તેમની કન્સેશન ૩.૫ વર્ષ માટે લંબાવવા માંગે છે.
જોકે, ઔડા દ્વારા આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યોહતો. ઔડા બોર્ડે ખર્ચ નક્કી કરવા માટે થર્ડ પાર્ટી સલાહકારની નિમણૂક કરી હતી. આ પ્રોજેક્ટ વધારાના જમીન સંપાદન વિના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારશે. આ પ્રોજેક્ટ અંગે સ્થાનિકોએ પણ રાહત વ્યક્ત કરી છે.