શ્રમયોગી અન્નપૂર્ણા યોજના અંતર્ગત 9 ભોજન વિતરણ કેન્દ્રોનો કરાયો પ્રારંભ
(માહિતી)વડોદરા, ગુજરાત રાજયના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યભરમાં શુભારંભ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર તથા જિલ્લામાં મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલના હસ્તે નવા ૯ ભોજન વિતરણ કેન્દ્રોની શરૂઆત કરવા માટે શહેરના વાસ્વિક ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરા શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે, સમન્વય પાર્ક, માણેજા અને બાજવા વિસ્તારના કડિયાનાકા પાસે ભોજન વિતરણ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે વડોદરા જિલ્લામાં પાદરા, સાવલી, મંજુસર અને ડભોઇના કડીયાનાકા વિસ્તારમાં નવા ભોજન વિતરણ કેન્દ્રોની ખુલ્લા મુકવામાં આવ્યા છે.
મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુકલે જણાવ્યું કે આ યોજના હેઠળ રોજગાર માટે શહેરોમાં સ્થળાંતર થયેલ કામદારોને પાંચ રૂપિયા જેવી નજીવી કિંમતે પૌષ્ટિક આહાર
આપવા માટેની યોજના છે. વધુમાં આ સાથે વિવિધ યોજનાઓ થકી સરકાર શ્રમયોગી તથા તેના પરિવારના આરોગ્ય, શિક્ષણ, આવક અને સુવિધાઓની દરકાર કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં શ્રી શુકલે જણાવ્યું કે પહેલા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૧૦ રૂપિયામાં જમવાનું મળતું હતું. હવે સરકારે ફક્ત પાંચ જ રૂપિયામાં આખું ટિફિન આપીને શ્રમયોગીની સુવિધામાં વધારો કર્યો છે.
આ કાર્યક્રમમાં અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્ર મુખ્ય દંડકશ્રીના હસ્તે ખુલ્લું મુકાયું હતું. શ્રમયોગીના ઉત્કર્ષ માટે શ્રમ કાર્ડ,શ્રમયોગી શિક્ષણ સહાય યોજના, પ્રસૂતા સહાય યોજના, વીમા કવચ, આકસ્મિક મૃત્યુ સહાય તથા અન્ય યોજનાઓના લાભો તથા હકક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
શ્રમયોગી અન્નપૂર્ણા યોજનાના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમને જીવંત નિહાળ્યું હતું.
વધુમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ની દસ્તાવેજી ફિલ્મ તથા વિવિધ યોજનાઓને લગતી માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ક્લેક્ટરશ્રી અતુલ ગોર, ડે. મ્યુ. કમિશ્નર એસ. સી. પ્રજાપતિ, શ્રમ વિભાગના સંયુક્ત નિયામક એચ.સી. બામણીયા, અગ્રણીઓ, અધિકારી તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.