ગુજરાતમાં ફાળવાયેલા ર૦રર બેચના 9 IAS પ્રોબેશનર્સ મુખ્યમંત્રીની મુલાકાતે
ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સ્પીપામાં તાલીમના પાંચ અઠવાડિયા પૂર્ણ કરી વિવિધ જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે જશે
જન ફરિયાદો અને રજૂઆતોના ટેકનોલોજીના ઉપયોગથી નિવારણના મુખ્ય મંત્રીશ્રીના રાજ્ય કક્ષાના સ્વાગત ઓન લાઇનની કાર્યપદ્ધતિ નિહાળી.
યુવા વયે મળેલા આ પ્રતિષ્ઠિત પદનો રાજ્યની સેવા-વિકાસમાં સદુપયોગ કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શીખ આપી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦રરની બેચના ૯ પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. 9 IAS probationers of 2000th batch allotted in Gujarat visit the Chief Minister Bhupendra Patel.
આ ૯ યુવા પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન-સ્પીપામાં પાંચ સપ્તાહની તાલીમ પૂર્ણ કરી છે. આ અધિકારીઓ સ્પીપા સહિતની તાલીમ અંતર્ગત બાવન અઠવાડિયા સુધી વિવિધ જિલ્લાઓમાં તાલીમ માટે જવાના છે.
તદ્દઅનુસાર, આ નવ આઇ.એ.એસ પ્રોબેશનર્સ તેમને ફાળવાયેલા જિલ્લાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રાંત કચેરી અને જિલ્લા કલેકટરાલયમાં તાલીમ મેળવશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ નવયુવાન પ્રોબેશનર્સ આઇ.એ.એસ ને કાર્યદક્ષતા, નિષ્ઠા અને પ્રામાણિકતાથી કારકીર્દી ઘડતરની શીખ આપી હતી.
આ તાલીમી અધિકારીઓ આજે મુખ્યમંત્રીશ્રીના રાજ્ય સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનો ,નાગરિકોની રજૂઆતો જે પોઝિટિવ એપ્રોચથી ઉકેલતા હતા તે જોઈને અને સમજીને તેમની ફિલ્ડ તાલીમની પ્રથમ શરુઆત કરી હતી.
મુખ્મંત્રીશ્રીએ આ યુવાઓને નાની વયે મળેલી આવી આઇ.એ.એસ અધિકારી તરીકેની પ્રતિષ્ઠિત પોસ્ટ-પદ નો ગુજરાતના વિકાસ અને જનહિતમાં ઉપયોગ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ યુવા પ્રોબેશનર્સ આઇ.એ.એસ ને નીતિ-નિયમો સાથે કુદરતના નિયમોને જાળવીને સેવાદાયિત્વ નિભાવવાનો અનુરોધ પણ કર્યો હતો. આ ૯ પ્રોબેશનર્સ મહિસાગર, તાપી, નવસારી, પાટણ, બનાસકાંઠા, દાહોદ, સુરેન્દ્રનગર, અરવલ્લી અને નર્મદા જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે નિયુક્ત થયા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ મુલાકાત વેળાએ સ્પીપા ના મહાનિયામકશ્રી મોહમ્મદ શાહિદ પણ ઉપસ્થિત રહ્યા હતા.