Western Times News

Gujarati News

કેનેડા બોર્ડર ક્રોસ કરી USમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા ૯ લોકો ઠંડીમાં થીજ્યાં

અમદાવાદ, કેનેડા બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જવાના પ્રયાસમાં ઠંડીમાં થીજી ગયેલા નવ લોકોને પોલીસે રેસ્ક્યુ કર્યા છે, આ ઘટનામાં એક વ્યક્તિ લાપતા હોવાનું પણ બહાર આવ્યું છે. મંગળવારે વહેલી સવારે આ ગ્રુપ બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તમામ લોકો પગપાળા સાઉથઈસ્ટર્ન મેનિટોબાના સ્પ્રાગ નજીક જંગલોમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડતાં તેમણે જ પોલીસનો સંપર્ક કર્યો હતો.

કેનેડિયન મીડિયાના રિપોર્ટ્‌સ અનુસાર, સવારે ચારેક વાગ્યે આ તમામ લોકોને બચાવવામાં આવ્યા હતા તેમ રોસીયુ કંટ્રીના શેરિફ સ્ટીવ ગસ્ટે જણાવ્યું હતું. રેસ્ક્યુ કરાયેલા લોકો કાતિલ ઠંડીને કારણે હાયપોથર્મિયાના ભોગ બન્યા છે. ગેરકાયદે રીતે અમેરિકા જઈ રહેલા આ લોકોમાંથી અમુક લોકોની તબિયત વધુ બગડતાં તેમને હોસ્પિટલ ખસેડાયા છે, પરંતુ મોટાભાગના લોકો હાલ સ્વસ્થ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કાતિલ ઠંડીમાં વરસાદ પડતાં આ લોકોના કપડાં ભીના થઈ જવાથી તેઓ થીજી ગયા હતા. જે જગ્યાએ આ ઘટના બની છે તેનાથી થોડે દૂર હાઈવે પર અમેરિકામાં પ્રવેશવાનો ઓફિશિયલ પોર્ટ આવેલો છે, પરંતુ બોર્ડર ક્રોસ કરી રહેલું આ ગ્રુપ તેનાથી ઘણું દૂર હતું.

આ વિસ્તારમાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ હોય છે. કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા લોકો પણ આ રૂટ પરથી મોટાભાગે પગપાળા જંગલો કે ર્નિજન વિસ્તારમાં થઈને અમેરિકા પહોંચી જતા હોય છે.

શિયાળામાં આ વિસ્તારમાં કાતિલ ઠંડી જીવલેણ બની જતી હોય છે, જાન્યુઆરી ૨૦૨૨માં ડિંગુચાના જગદીશ પટેલનો પરિવાર આ જ બોર્ડર ક્રોસ કરી અમેરિકા જવાના પ્રયાસમાં મોતને ભેટ્યો હતો. હાલના દિવસોમાં અહીં ઠંડી થોડી ઘટી છે, મહત્તમ તાપમાન આઠ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી સુધી રહેતું હોય છે.

જાેકે, ક્યારેક-ક્યારેક વરસાદ પણ પડતો હોવાના કારણે ઠંડી અચાનક વધી પણ જાય છે. પગપાળા બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતાં લોકો પોલીસથી બચવા મોટાભાગે રાતના અંધારામાં જ નીકળતા હોય છે. નવ લોકોના જે ગ્રુપને પોલીસે બચાવ્યું છે તે લોકો પણ રાત્રે જ બોર્ડર ક્રોસ કરવા નીકળ્યા હતા, તેમણે ઠંડીથી બચવા ગરમ કપડાં તો પહેર્યા હતા પરંતુ વરસાદના કારણે તે ભીના થઈ જતાં તેમની હાલત બગડી હતી.

જે નવ લોકોને પોલીસે રેસ્ક્યુ કર્યા છે તેમની કોઈ ઓળખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે, હજુ ગયા મહિને જ મહેસાણાનો ચૌધરી પરિવાર ગેરકાયદે રીતે અમેરિકા જવાના પ્રયાસમાં સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો. માણેકપુરા ગામના વતની પ્રવીણ ચૌધરી પોતાની પત્ની અને બે સંતાનો સાથે વિઝિટર વિઝા પર કેનેડા ગયા હતા, અને ત્યાંથી તેમને અમેરિકા જવાનું હતું.

જાેકે, તેઓ જ્યારે બોટમાં સવાર થઈ અમેરિકા જવા નીકળ્યા ત્યારે ખરાબ હવામાનના કારણે નદી તોફાની બની હતી, અને તેમાં તેમની બોટ ડૂબી જતાં ચૌધરી પરિવારના ચાર સભ્યો ઉપરાંત તેમની સાથે જ અમેરિકા જઈ રહેલું એક રોમાનિયન ફેમિલી મોતને ભેટ્યું હતું. ચૌધરી પરિવારના અંતિમ સંસ્કાર પણ કેનેડામાં જ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતથી તેમના કોઈ પરિવારજનો સામેલ પણ નહોતા થઈ શક્યા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.