Western Times News

Gujarati News

મહિલાઓને અભય બનાવતી 181 “અભયમ મહિલા હેલ્પલાઇન”ના ગુજરાતમાં સફળતાના 9 વર્ષ પૂર્ણ

૧૮૧ અભયમ હેલ્પલાઇન, આ નંબર છે નિડરતાનો અને મહિલાઓની સુરક્ષાનો

છેલ્લાં ૯ વર્ષમાં અંદાજે ૧૩.૯૯ લાખથી વધુ મહિલાઓને સેવા આપી ૧૮૧ અભયમ હેલ્પલાઇન ખરા અર્થમાં મહિલાઓ માટે સંકટ સમયની સાથી બની

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે

તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરૂ કરવામાં આવી છે.

રાજ્યની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બનાવવા હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે “સેફ સિટી” પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા અને આર્થિક-કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુવાનની સેવા મળી રહે

તે હેતુથી નવી કુલ-૧૨ અભયમ રેસ્ક્યુવાનને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ ૫ માર્ચ ૨૦૨૩ના રોજ મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવી છે.  આમ, સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહેશે.

શ્રીમતી ભાનુબેન બાબરીયા, માન.મંત્રીશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગનાં વરદ હસ્તે સ્માર્ટ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પેપરલેસ સીએડી-CAD સિસ્ટમનું લોકાર્પણ ૦૬ માર્ચ ૨૦૨૪ના રોજ કરવામાં આવ્યું છે, જેના થકી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન CAD સિસ્ટમના માળખા સાથે અભયમ રેસક્યું વાનને જોડીને પેપરલેસ સીએડી- CAD સિસ્ટમ સાથેની કાર્યપ્રણાલી

સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણી કરવાની ટેક્નોલૉજીસભર પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.

માત્ર ૦૯ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૩,૯૯,૭૬૧થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે અને ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને ૨,૮૧,૭૬૭ જેટલા મહિલાને મદદ પૂરી પાડી છે. ૧,૭૭,૪૨૧ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કર્યો છે. ૮૬,૦૬૨ જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસના ચિફ ઓપરેટિંગ ઓફીસર શ્રીજશવંત પ્રજાપતિએ ગુજરાતના ૬.૩ કરોડ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવ્યું હતું કે, “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.

આજના દિવસે તેઓશ્રીએ ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં ૨૪ X ૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતએ શ્રેષ્ઠ ગુણવત્તાનું ‘આદર્શ રાજ્ય’ બનવા પામેલ છે.”

રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટિગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા

મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.  ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરી છે. પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું તેમજ મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.

મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે

ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુની સેવા તેમજ જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેમ કે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ, નારી સંરક્ષણ ગૃહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરન્સ દ્વારા સીધુ જોડણ કરવામાં આવે છે. સાથેજ સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.

કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે ?

મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો), શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી, માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ), આર્થિક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો. અહેવાલ – ગોપાલ મહેતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.