સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં અનામત માટે સમર્પિત આયોગને ૯૦૦થી વધુ રજૂઆતો મળી
ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓ માટે અમદાવાદ ખાતે જાહેર સુનાવણી યોજતા સમર્પિત આયોગના ચેરમેન અને હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ શ્રી કે. એસ. ઝવેરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને અનામત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલા સમર્પિત આયોગે આજે ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓ તથા સુરેન્દ્રનગર જિલ્લા માટે અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે જાહેર સુનાવણી હાથ ધરી હતી અને તેમાં આયોગને ૯૦૦થી વધુ રજૂઆતો મળી હતી. આયોગ દ્વારા તમામ રજૂઆતકર્તાઓને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવ્યા હતા.
સમર્પિત આયોગના અધ્યક્ષ અને હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ શ્રી કે. એસ. ઝવેરી ઉપરાંત આયોગના સભ્યો શ્રી કે. એસ. પ્રજાપતિ, શ્રી વી.બી.ઠાકોર અને શ્રી ઈશ્વરભાઈ પટેલ આજે સવારથી અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જાહેર સુનવણી હાથ ધરી હતી.
જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર ઉપરાંત અમદાવાદ જિલ્લા સહિત મહાનગરપાલિકાના વિસ્તારોમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની રજૂઆતો સ્વીકારવામાં આવી હતી તથા રજૂઆતકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા.
સમર્પિત આયોગના ચેરમેન અને હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ શ્રી કે. એસ. ઝવેરી સમક્ષ ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓ તથા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો અને સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા સામુહિક અને વ્યક્તિગત રજૂઆતો કરવામાં આવી હતી.
જેમાં આ રજૂઆતકર્તાઓએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર-મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો માટે બેઠક અનામત રાખવા અંગે પોતાના વિચારો, સૂચનોની લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.
સવારથી લઈને સાંજ સુધી રજૂઆતો સ્વીકારવામાં આવી હતી. સુનાવણી દરમિયાન આયોગે તમામ રજૂઆતકર્તાઓને ઉક્ત સંબંધે ધીરજપૂર્વક સાંભળ્યા હતા. સૌથી વધુ રજૂઆતો અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ જિલ્લામાંથી મળી હતી.
આ સુનાવણી દરમિયાન અમદાવાદ જિલ્લાના કલેકટર શ્રી સંદીપ સાગલે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સેહરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા અને સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. – મિતેષ સોલંકી