Western Times News

Gujarati News

સિંચાઇથી વંચિત નળકાંઠાના ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧૫ હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે

નળકાંઠાના ૩ર ‘નો સોર્સ વિલેજ’નો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

નળકાંઠા સહિતના ૧૩ર ગામોના ખેડૂતોની સિંચાઇના પાણી માટેની સમસ્યાનું સંવેદનાત્મક નિવારણ લાવતા ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે નળકાંઠાના ૩ર જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમારની ઉપસ્થિતીમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી

તદઅનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીની આ બેઠક અને તેમની ભલામણની ફલશ્રુતિને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠાના આ બધા જ ‘નો સોર્સ વિલેજ’ ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે.

આ કિસાન હિતલક્ષી નિર્ણયના પરિણામ સ્વરૂપે હવે નળકાંઠાના સિંચાઇ વંચિત ૧૧ ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧પ હેક્ટર જમીન વિસ્તારને પણ સિંચાઇ માટે નર્મદા જળ મળતા થશે.

રાજ્ય સરકારે તાજેતરમાં જ ફતેવાડી-ખારીકટ યોજનાઓના પિયત વિસ્તારના ૧૧૧ ગામોને નર્મદા યોજના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરેલો છે.

આ ૧૧૧ ગામોમાં નળકાંઠાના ૨૧ ગામોનો પણ સમાવેશ થઇ ગયો છે. નળકાંઠાના કુલ ૩ર ગામોમાંથી પિયત વિસ્તારથી બાકાત રહી ગયેલા ૧૧ ગામોને પણ હવે નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની અધ્યક્ષતામાં તાજેતરના ભૂતકાળમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વ્યક્ત થયેલી લાગણીની ફલશ્રુતિ રૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે હવે નળકાંઠાના તમામ એટલે કે ૩ર ‘નો સોર્સ વિલેજ’ને નર્મદા યોજનાના પિયત ખેડૂતોને જે ધોરણે પાણી મળે છે તે ધોરણે સિંચાઇ માટે નર્મદા જળ મળતું થશે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી અમિતભાઇ શાહે ધરતીપુત્રોની સિંચાઇ માટે પાણીની સમસ્યાઓનો સુચારૂ નિવેડો લાવી હવે, નળકાંઠા સહિતના ખારીકટ-ફતેવાડી પિયત વિસ્તારના ગામોને નર્મદાનું જળ ખેતીવાડી અને સિંચાઇ માટે ઉપલબ્ધ બનાવવાનો ખેડૂત હિતકારી ઉદાત્ત અભિગમ દર્શાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.