Western Times News

Gujarati News

95% ડેવલપરોની કોવિડની બીજી લહેરને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થવાની ભીતિ

પ્રતિકાત્મક

પહેલ વહેલો CREDAI રીપોર્ટઃ  રીકવરી માટે ઇન્ડસ્ટ્રીએ તાત્કાલિક રાહત માંગી

અત્યાર સુધીના સૌથી વ્યાપક રીયલ એસ્ટેટ સરવે પૈકીના એક સરવેમાં ભારતના 217 શહેરમાંથી કુલ 4,813 ડેવલપરોએ ભાગ લીધો.

90%ડેવલપરોનું માનવું છે કે, કોવિડની પ્રથમ લહેરની સરખામણીએ બીજી લહેર વ્યવસાયો માટે વધુ વિનાશકારી સાબિત થઈ.

શ્રમિકોની તંગી, નાણાકીય ખેંચ, મંજૂરી મળવામાં વિલંબ, બાંધકામના ખર્ચમાં વધારો અને ગ્રાહકોની નબળી પડેલી માંગ એ ડેવલપરો દ્વારા ઉજાગર કરવામાં આવેલ મુખ્ય પડકારો છે.

રાષ્ટ્રીય, 10 જૂન, 2021: કન્ફેડરેશન ઑફ રીયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયાએ ભારતમાં રીયલ એસ્ટેટ સેક્ટર પર કોવિડ-19ની બીજી લહેરના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે 24 મેથી 3 જૂન, 2021 દરમિયાન ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં હાથ ધરવામાં આવેલા તેના પહેલવહેલા ઇન્ડસ્ટ્રી સર્વેના તારણો જાહેર કર્યા છે.

સ્તરીકૃત રીતે સેમ્પલ લેવાની પદ્ધતિ વડે હાથ ધરવામાં આવેલ આ અન્વેષક સર્વેમાં પહેલીવાર ભારતના 217 શહેરમાંથી 4,813 લોકોની વ્યાપક સહભાગીદારી જોવા મળી હતી, જેણે ઇન્ડસ્ટ્રીના મનોભાવ અને રીયલ એસ્ટેટ સેક્ટર દ્વારા અનુભવવામાં આવી રહેલા અનેકવિધ પડકારો પર મહત્વની સમજ પૂરી પાડી હતી.

આ સર્વે રીપોર્ટ મુજબ, 95%થી વધુ ડેવલપરોનું માનવું છે કે, સરકાર અને આરબીઆઈ દ્વારા જો આ સેક્ટર માટે તાત્કાલિક રાહતના પગલાં લેવામાં ન આવ્યાં તો, પ્રોજેક્ટ્સમાં ચોક્કસપણે વિલંબ થશે. આ વિલંબ અનેકવિધ કારણોને આભારી છે, જેમ કે, 92% ડેવલપરો સાઇટ ખાતે શ્રમિકોની તંગીનો સામનો કરી રહ્યાં છે, 83% ડેવલપરો અડધાથી પણ ઓછા કાર્યબળની સાથે કામ કરી રહ્યાં છે અને 82%થી વધુ ડેવલપરો પ્રોજેક્ટને મંજૂરી મળવામાં વિલંબનો સામનો કરી રહ્યાં છે.

આ અભ્યાસના પરિણામો પર ટિપ્પણી કરતાં CREDAI નેશનલના પ્રેસિડેન્ટ શ્રી હર્ષવર્ધન પટોડિયાએ જણાવ્યું હતું કે, ‘‘રાહતના ખૂબ જ ઓછા પગલાં લેવામાં આવ્યાં છતાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે કોવિડની પ્રથમ લહેર બાદ ખૂબ જ સાવધાનીપૂર્વક રીકવરીના પથ પર પાછા આવવામાં અદભૂત સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી.

જોકે, બીજી લહેરે અમને ઇન્ડસ્ટ્રીના વિકાસપથને પ્રતિબિંબિત કરવા અને તેનું પુનર્મૂલ્યાંકન કરવા માટે પ્રેરિત કર્યા છે તથા અમારું માનવું છે કે, હાલના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખી ગ્રાહકો અને ઇન્ડસ્ટ્રીના સહભાગીઓ દ્વારા અનુભવવામાં આવી રહેલા પડકારોનું મૂલ્યાંકન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તારણોએ ઉજાગર કર્યું છે કે, કોવિડની પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરે રીયલ એસ્ટેટ સેક્ટર પર વધુ વિનાશકારી પ્રભાવ પાડ્યો છે.’’

સ્ટીલ, સિમેન્ટ વગેરે જેવી બાંધકામની સામગ્રીની કિંમતોમાં હાલમાં થયેલો વધારો જેવા વધારાના પરિબળોએ 88%થી પણ વધુ ડેવલપરો માટે બાંધકામના ખર્ચમાં 10%થી પણ વધુનો વધારો કર્યો છે. નાણાકીય ખેંચ અને રોકડની કમીએ આ સમસ્યાને વધુ ઘેરી બનાવી છે, જેમાં 77% ડેવલપરો વર્તમાન લૉનની ચૂકવણી કરવાની સમસ્યા અનુભવી રહ્યાં છે, 85% ડેવલપરો અગાઉથી જે ઉઘરાણીનું આયોજન કર્યું હતું, તેમાં વિક્ષેપનો સામનો કરી રહ્યાં છે અને 69% ડેવલપરો ગ્રાહકોને હૉમ લૉન આપવામાં સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

રીયલ એસ્ટેટ ડેવલપરોની આ સર્વોચ્ચ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા સરવેના તારણો ગ્રાહકોની વર્તણૂકમાં આવેલા પરિવર્તન અને તેના પરિણામે પૂછપરછ તથા સાઇટની મુલાકાતોમાં થયેલા ઘટાડાને કારણે નબળી પડેલી માંગ પર પણ પ્રકાશ પાડે છે.

ડેવલપરોની 98% જેટલી મોટી ટકાવારી ગ્રાહકોની પૂછપરછમાં ઘટાડો થવાનો સામનો કરી રહી છે અને 42%ડેવલપરો ગ્રાહકોની પૂછપરછમાં 75%નો ઘટાડો અનુભવી રહ્યાં છે. આથી વિશેષ, આ રીપોર્ટમાં ઉજાગર કરવામાં આવ્યું છે કે, કોવિડની બીજી લહેરને કારણે 95%ગ્રાહકોએ તેમના ખરીદીના નિર્ણયને પાછો ઠેલી દીધો છે.

CREDAIનો કોવિડ ઇમ્પેક્ટ એનાલીસિસ રીપોર્ટ એ કદાચ ભારતનો સૌથી વ્યાપક અને વિશ્વસનીય રીયલ એસ્ટેટ સર્વે છે, કારણ કે, દેશના ડેવલપરો દ્વારા તે સીધો તૈયાર કરવામાં આવ્યો છે અને તે જમીની વાસ્તવિકતાને રજૂ કરે છે. ઇમ્પેક્ટ એનાલીસિસ રીપોર્ટને સંબંધિત મંત્રાલયો અને સંબંધિત હિતધારકો સાથે શૅર કરવામાં આવશે.

CREDAIનેશનલના પ્રેસિડેન્ટ શ્રી હર્ષવર્ધન પટોડિયાએ આગળ ઉમેર્યું હતું કે,‘‘અમે વર્તમાન સ્થિતિ જણાવીને સરકારને રજૂઆત કરી છે અને સરકારને તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવા તથા રીકવરીમાં સહાયરૂપ થવા ઝડપથી પ્રગતિશીલ ઉપાયો હાથ ધરવા વિનંતી કરી છે.

અમારી રજૂઆતોના ભાગરૂપે અમે લિક્વિડિટી ઇન્ફ્યુઝન, લૉનનું એક વખતનું રીસ્ટ્રક્ચરિંગ, રેરા દ્વારા પૂર્ણ થવાની તારીખમાં 6 મહિનાનું એક્સટેન્શન, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો અથવા માફી,
6 મહિના માટે મુદ્દલ અને વ્યાજ પર મોરેટોરિયમમાં એક્સટેન્શન તથા વધુ એક વર્ષ માટે એસએમએ વર્ગીકરણને સ્થગિત કરવાની વિનંતી કરી છે. અમને આશા છે કે, સરકાર અમારી અપીલને ધ્યાન પર લેશે અને આ વખતે તાત્કાલિક હસ્તક્ષેપ કરશે.’’

ડેવલપરોની સર્વોચ્ચ સંસ્થા એમ પણ અનુભવે છે કે, બાંધકામની સામગ્રીનો ખર્ચ ઘટાડવાથી, પ્રોજેક્ટોની મંજૂરી માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સિસનું અમલીકરણ કરવાથી તથા કામ શરૂ કરવાથી અને તમામ સેક્ટરો માટે ઇનપૂટ ટેક્સ ક્રેડિટની મંજૂરી આપવાથી બિઝનેસને મદદ મળી રહેશે.

CREDAIનું માનવું છે કે, નિરંતર અને યોગ્ય નીતિગત સહાય એ ભારતીય અર્થતંત્રને ફરીથી પાટા પર ચઢાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે, રીયલ એસ્ટેટ સેક્ટર જીડીપીનો 6-7% હિસ્સો ધરાવે છે, તે બીજો સૌથી મોટો નિયોક્તા છે અને તે દેશમાં 270થી વધુ આનુષંગિક ઉદ્યોગો માટે બિઝનેસ જનરેટર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.