98 કિલો વજન, બીપી-ડાયાબિટીસ જેવા રોગો, યોગ કરી ભગાડ્યા રોગો, વજન 18 કિલો ઉતાર્યું
યોગ અપનાવતાં ફાયદો થતાં યોગેશભાઈ પોતે યોગ ટ્રેનર બની ગયા છે અને તેમની પ્રેરણાથી તેમનાં ધર્મપત્ની પણ યોગ ટ્રેનર બનીને લોકો સુધી યોગ ભગાવે રોગનો સંદેશ પહોંચાડી રહ્યા છે-યોગ અને નેચરોપથી અપનાવીને બીપી-ડાયાબિટીસ જેવા મહારોગોને નાથ્યા
21 જૂન વિશ્વ યોગ દિવસ વિશેષ લેખ -ફરજના ભાગ રૂપે યોગ કર્યા અને જીવનમાં આવ્યા મોટા ફેરફારો
યોગેશભાઈનું વજન 98 કિલો હતું અને બીપી-ડાયાબિટીસ વકરેલા હતા, યોગાસનો અને યોગ્ય ડાયેટ અપનાવીને 18 કિલો વજન ઘટાડ્યું છે અને મહારોગો એકદમ નિયંત્રણમાં આવી ગયા છે
ભારત સદીઓથી જ્ઞાનનો ખજાનો રહ્યું છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમગ્ર વિશ્વને હવે એ વાતની પ્રતીતિ થઈ રહી છે અને એમાં ભારતના યોગનો મહત્તમ ફાળો છે. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ભારતીય યોગ ન કરવામાં આવતા હોય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે આખી દુનિયા 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરતી થઈ છે.
આપણા દેશમાં પણ યોગના જ્ઞાન પ્રત્યે અગાઉ જોઈએ એવી જાગૃતિ નહોતી. યોગની ઉપયોગિતા અને આવશ્યતાથી સામાન્ય લોકો પરિચિત નહોતા. ગાંધીનગરના એડિશન ડિસ્ટ્રિક્ટ ગવર્ન્મેન્ટ પ્લીડર યોગેશ જણસારીને યોગના એક કાર્યક્રમમાં ફરજના ભાગરૂપે જવાનું બન્યું અને એમનું જીવન બદલાઈ ગયું. યોગેશભાઈ જણાવે છે કે “આજથી છએક વર્ષ પહેલાં એક યોગ કાર્યક્રમમાં જવાનું થયું અને યોગના મહત્ત્વને હું સારી રીતે સમજી શક્યો. મેં યોગ અપનાવ્યા અને મારા જીવનમાં અનેક મોટા ફેરફારો આવ્યા.’
યોગેશભાઈ ઉમેરે છે, “આજથી છ-સાત વર્ષ પહેલાં મારું વજન 98 કિલો હતું. ડાયાબિટીસ હતો અને સુગર 200થી 250 રહેતું હતું. બીપી પણ હાઇ રહેતું હતું અને બીપી-ડાયાબિટીસ પર દવાઓ ખાવા છતાં કંટ્રોલમાં આવતું નહોતું. મારી તબિયત બહુ જ ખરાબ રહેતી હતી.
યોગ અપનાવવાની સાથે સાથે મેં નેચરોપથી તથા ડાયેટિંગ પર ફોકસ કર્યું અને મારું બોડી ટ્રાન્સફોર્મ થઈ ગયું. મારું વજન 18 કિલો ઘટીને આજે 80 કિલો જેટલું થઈ ગયું છે. બીપી અને ડાયાબિટીસ એકદમ કંટ્રોલમાં આવી ગયા છે. મને સાયનસથી સમસ્યા હતી, એનાથી પણ છૂટકારો મળી ગયો છે.”
યોગેશભાઈએ યોગથી પોતાને થયેલા ફાયદાને માત્ર પોતાના પૂરતાં સીમિત નહીં રાખીને અન્ય લોકો સુધી પણ યોગની જાણકારી અને લાભ પહોંચાડવા માટે પ્રયાસો શરૂ કર્યા. તેમણે પોતાના ગામ દહેગામમાં ઘરની નજીકના બગીચામાં રોજ સવારે આસપાસના લોકો-મિત્રોને યોગાસનો શીખવવાનું શરૂ કર્યું.
પછી તેમને અહેસાસ થયો કે અધૂરા-અધકચરા જ્ઞાનથી નહિ ચાલે, એટલે તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી યોગ સાયન્સનો પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો અને યોગનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. યોગ સાયન્સ પછી એ જ યુનિવર્સિટીમાંથી નેચરોપથી અને ફૂડ એન્ડ ન્યૂટ્રિશનના અભ્યાસક્રમો પણ કર્યા. યોગની સાથે સાથે યોગ્ય ડાયેટ અને નેચરોપથીના પ્રયોગો કરીને તેઓ રોગમુક્ત તો થયા, એટલું જ નહિ, તેમણે અન્ય લોકોને પણ યોગ અને નેચરોપથી તરફ વાળવાનું પણ બીડું ઝડપી લીધું.
યોગેશભાઈ આજે ગુજરાત યોગ બોર્ડના પ્રમાણિત યોગ ટ્રેનર છે. યોગેશભાઈ રાજ્ય ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પણ યોગ ટ્રેનર તરીકે સેવા આપી રહ્યા છે. યોગેશભાઈની પ્રેરણાથી તેમનાં પત્નીએ પણ યોગની તાલીમ મેળવી અને તેઓ પણ આજે યોગ ટ્રેનર બનીને પતિના કદમમાં કદમ મિલાવી રહ્યાં છે.
યોગેશભાઈ જણાવે છે કે “યોગ મારા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આજે હું જાગીને તરત જ યોગ કરું છું. દરરોજ સવારે છથી સાડા સાત વાગ્યા સુધી અચૂકપણે યોગાસનો કરું છું અને અન્યોને શીખવું છું. સાડા સાતથી નવ સુધી જિમમાં કસરત કરીને પરસેવો પણ પાડું છું.”
પોતાના ડાયેટ વિશે યોગેશભાઈએ ઉમેર્યું કે, “મેં ત્રણ વર્ષ સુધી માત્ર લીલાં પાંદડાં અને કાચું જ ખાધું હતું. આજે પણ મારા ખોરાકમાં રાંધેલા ખોરાકનું પ્રમાણ માંડ 10 ટકા જ છે. લીલાં પાંદડા-ભાજીથી મારું હિમોગ્લોબિન 16 ટકા જેટલું ઊંચું રહે છે.”
વિવિધ યોગાસનો, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા, જળનેતિ થકી તેમણે શરીરને તંદુરસ્ત બનાવવા ઉપરાંત પોતાની રોગપ્રતિકારક શક્તિ પણ વધારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ પોતાના યોગબળે કોરોનાને પણ પોતાનાથી દૂર રાખી શક્યા છે.
યોગેશભાઈ યોગ ટ્રેનર તરીકે કોઈની પણ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી. યોગને વધુ ને વધુ પોપ્યુલર બનાવવા માટે સતત મથતાં રહે છે. સોશિયલ મીડિયા પર 1000થી વધારે વિડિયો બનાવીને યોગનો પ્રચાર કરી રહ્યા છે.
વાતના અંતે યોગેશભાઈ જણાવે છે કે “વડાપ્રધાન મોદીસાહેબ વિશ્વ સ્તરે યોગની પ્રસિદ્ધિ કરી રહ્યા છે ત્યારે આપણા સૌની ફરજ છે કે આપણે પણ યોગ અપનાવીએ. ભોજનની જેમ જ યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવીએ. યોગને આપણે અપનાવીશું તો જ અન્ય પણ અપનાવશે.” -આલેખનઃ દિવ્યેશ વ્યાસ