Western Times News

Gujarati News

પ્રાકૃતિક કૃષિ પેદાશોના લેબ ટેસ્ટમાં ૯૯ ટકા જંતુનાશક મુક્ત સાબિત થઇ

Ø  નવસારીની ફૂડ ક્વોલિટી ટેસ્ટિંગ લેબોરેટરીમાં ૧૫૦ જેટલી પ્રાકૃતિક કૃષિ પેદાશોના લેબ ટેસ્ટના આનંદદાયક પરિણામો

Ø  પ્રાકૃતિક કૃષિની પેદાશોમાં ૫૧ પ્રકારના પેસ્ટિસાઇડમાંથી એક પણની હાજરી ના જોવા મળીઆવી પેદાશો ખાવામાં ઉત્તમ

Ø  નર્મદા જિલ્લાના બે આદિવાસી ખેડૂતોની પેદાશો પણ લેબ ટેસ્ટમાં ઉચ્ચ ગુણવત્તાની સાબિત થઇ

હવે એ વાત વૈજ્ઞાનિક ઢબે સાબિત થઇ ગઇ છે કેપ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પન કરેલી જણસોમાં લેશ માત્ર જંતુનાશકોનું પ્રમાણ હોતું નથી. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ પ્રાકૃતિક કૃષિકારોની જણસોનું નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કરાવાયેલા પરીક્ષણમાં ૯૯ ટકા નમૂના પાસ થયા છે. આ પરિણામો ખેડૂતો અને ખેતીવાડી અધિકારી માટે ચાલકબળ સમાન બન્યા છે. નર્મદા જિલ્લામાંથી બે પ્રાકૃતિક કૃષિકારોના નમૂના પણ રસાયણમુક્ત આ પરીક્ષણમાં સાબિત થયા છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મહાઅભિયાનમાં જોડાયેલા ખેડૂતોની જણસોના નમૂના રાજ્ય સરકારના આત્મા વિભાગના માધ્યમથી નવસારી કૃષિ યુનિવર્સિટીની ફૂડ ક્વોલિટી ટેસ્ટિંગ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. છેલ્લા એક તબક્કામાં જ આવી ૧૫૦ જેટલી જણસોશાકભાજીફળોના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂના ઉપર પેસ્ટિસાઇડ રેસિડ્યુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરાયેલી પ્રણાલી મુજબ આ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પેસ્ટિસાઇડ રેસિડ્યુ ટેસ્ટમાં ખાદ્યપદાર્થોમાં ૫૧ પ્રકારના જંતુનાશકોનું પ્રમાણ છે કે નહી તેની ચકાસણી કરવામાં આવે છે. આ જંતુનાશકોમાં એસીફેટઆલ્ડ્રીનએનીલોફોસબીએચસીમાં આલ્ફાબેટાડેલ્ટા અને ગામાબાયફેન્થ્રીનડીઆઝીનોનડીડીટી અને તેના પેટા પ્રકારો, એડીફેન્ફોસએન્ડોસલ્ફાનફિપ્રોનિલમોનોકોટોફોસ સહિતના ૫૧ પેસ્ટિસાઇડની હાજરી ચકાસવામાં આવે છે. એક નમૂનાને યોગ્ય રીતે પેક કરી લેબોરેટરીમાં લાવવામાં આવે છે. બાદમાં વિવિધ સ્તરે તેની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવામાં આવે છે. આ પરીક્ષણને એક સપ્તાહ જેટલો સમય લાગે છેતેમ ઉક્ત લેબોરેટરીના વડા શ્રી સુશિલ સિંઘે જણાવ્યું હતું.

વિવિધ જિલ્લાની પ્રાકૃતિક કૃષિ પેદાશોના પરીક્ષણના પરિણામો આનંદદાયક છે. ૧૫૦ નમૂનામાંથી ૯૯ ટકામાં ઉક્ત ૫૧ જંતુનાશકોની લેશમાત્ર હાજરી જોવા મળી નથી. આ પરીક્ષણના પરિણામમાં તફાવતનું પ્રમાણ ૦.૦૧ ટકા છે. એનો સીધો મતલબ એ થયો કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત અનાજશાકભાજી અને ફળો આરોગ્ય માટે એકદમ અનુકૂળ છે. આ ઉત્પાદોમાં ઝેરી રસાયણો હોતા નથી. એક ટકા એવા નમૂના એવા હતા કે જેને પ્રાકૃતિક કૃષિ શરૂ કર્યાને એક જ વર્ષ થયું હોય.

નર્મદા જિલ્લાના બે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકાવેલા ઉત્પાદ પણ જંતુનાશકમુક્ત સાબિત થયા છે. જેમાં ડેડિયાપાડા તાલુકાના બેબાર ગામના તારસિંગભાઇ વસાવાની કૃષિના કોદરા અને તિલકવાડા તાલુકાના ગમોડ ગામના રિકેશભાઇ બારિયાની ખેતીના મરચાનો પાવડરમાં એક પણ પ્રકારનું રસાયણ જોવા મળ્યું નથી. આ બન્ને પ્રાકૃતિક કૃષિકારો પાસેથી તેમના કૃષિ ઉત્પાદન ખરીદવું યોગ્ય છે. તારસિંહભાઇની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૧.૨૫ ટકા છેજ્યારે રિકેશભાઇની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૧.૦૮ ટકા છે. પાછલા વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરવાના કારણે તેમની જમીનની ફળદ્રૂપતા વધી છે. આલેખન – દર્શન ત્રિવેદી 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.