Western Times News

Gujarati News

૯૯ ટકાએ લોકોએ રસીના બંને ડોઝ લીધા હતા છતાં કોરોના પોઝિટિવ

છેલ્લા એક મહિનામાં ૯૫% લોકોને પ્રથમવાર કોરોના થયો, પણ કોઈએ બૂસ્ટર ડોઝ લીધો ન હતો

અમદાવાદ,  ગુજરાતમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા ૯૭૯ કેસો નોંધાતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. પણ આ વચ્ચે જ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી એક સ્ટડીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા બે મહિનામાં રાજ્યમાં કોરોનાના જેટલાં કેસો નોંધાયા છે,

તેમાંથી ૯૫ ટકા દર્દીઓ એવાં છે, કે જેઓને વર્ષ ૨૦૨૦થી કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી પ્રથમ વખત કોરોના થયો છે. આ ઉપરાંત હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેટામાં એ વાત પણ સામે આવી છે કે, પોઝિટિવ આવેલાં દર્દીઓમાંથી એકપણ દર્દીએ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો ન હતો.

આ ઉપરાંત અત્યારે કોરોનાના જેટલા પણ કેસો નોંધાય છે, તેમાંથી માત્ર ૨ ટકા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. જ્યારે આ વખતે બાળકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવાનો દર ૫ ટકાથી ઓછો છે.

રાજ્યમાં કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૨૧ જૂન ૨૦૨૨થી ૨૧ જુલાઈ ૨૦૨૨ સુધી રાજ્યમાં કોરોનાના ૧૮,૮૬૦ કેસો નોંધાયા હતા, જેમાંથી ૧૮,૧૯૦ દર્દીઓ એવા હતા કે, જેઓ મહામારીના બે વર્ષમાં પ્રથમ વખત કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જ્યારે માત્ર ૫ ટકા દર્દીઓ એવા હતા કે, જેઓને બીજી અથવા ત્રીજી વખત કોરોના થયો હતો.

આ ઉપરાંત સ્વાસ્થ્ય વિભાગના ડેટામાં બીજી એક મોટી વાત સામે આવી છે કે, પોઝિટિવ આવેલાં દર્દીઓમાંથી એકપણ દર્દીએ બૂસ્ટર ડોઝ લીધો ન હતો. અધિકારીએ જણાવ્યું કે, ૧ મહિનાની અંદર જેટલાં કોરોનાના કેસો નોંધાયા હતા, તેમાંથી ૯૯ ટકા દર્દીઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા, પણ એકપણ દર્દીએ કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો ન હતો.

જ્યારે કોરોના સંક્રમણ ફેલાવવા અંગે અધિકારીઓએ જણાવ્યું કે, પોઝિટિવ દર્દીઓમાંથી માત્ર અમુક દર્દીઓની જ ઈન્ટર-સ્ટેટ અથવા ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી હતી. ૯૦ ટકા લોકોમાં કોમ્યુનિટી સ્પ્રેડને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાયું હતું.
રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક અધિકારીઓએ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા, જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સનો પણ સમાવેશ થાય છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં છસ્ઝ્ર દ્વારા રહેણાંક વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવાનું શરૂ કરાયું હતું.

જાે કે, આ સમયે કોવિડ પોઝિટિવ આવતાં દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર બીજી લહેર કરતાં ઘણો ઓછો છે. અત્યારે જેટલાં પણ પોઝિટિવ કેસો નોંધાય છે, તેમાંથી માત્ર ૨ ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે.

આ ઉપરાંત સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાના બાળકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવાનો દર ઓછો હતો અને તે ૫ ટકાથી વધુ ન હતો, જ્યારે બાળકોમાં મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમ જાેવા મળ્યો ન હતો. ત્રીજી લહેર પહેલાં એવી આશંકા હતી કે, બાળકોમાં કોરોનાના કેસો કુલ કેસો કરતાં ૧૦ ટકાની આસપાસ નોંધાઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.