રસ્તાઓ ઉપર ગમે ત્યાં થુંકવુ, ગંદકી કરવી પણ દંડ ન ભરવો, કેવી શરમજનક બાબત
શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી પ્રજાની પણ છેઃ સીસીટીવી કેમેરામાં ઝડપવામાં આવેલ તથા ઈ-મેમો ઈસ્યુ થયા બાદ ૬પ ટકા વાહનચાલકોએ દંડની રકમ ભરી નથી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરને સ્વચ્છ રાખવાની જેટલી જવાબદારી છે એટલી જવાબદારી નાગરીકોની પણ છે. પરંતુ માનપણથી જ ગંદકી કરવા ટેવાયેલા નગરજનો માટે રસ્તા ઉપર ગમે ત્યાં થુંકવુ, એ ગુનો નહીં પરંતુ સાહજીક બાબત બની ગઈ છે.
શહેરના નગરજનોમાં જાગૃતિ આવે તથા ગમે ત્યાં થુંકી ગંદકી કરવાની આદતમાંથી મુક્ત બને એ માટે આજથી દોઢ મહિના પહેલાં સફાઈ માટેનું અભિયાન શરૂ કરાયુ હતુ. અને રસ્તા ઉપર થુંકનાર વ્યક્તિઅો મેમો ઈસ્યુ કરી દંડ લેવાનું પણ શરૂ કર્યુ હતુ. રસ્તાઓ પર થુંકી ગંદકી કરનારાઓને માટે ક્રોસ રોડ ઉપર ગોઠવવામાં આવેલ સીસીટીવી કેમેરા દ્વારા પકડે છે અને ઈ-મેમો પણ ઈસ્યુ કરવામાં આવી રહ્યો છે.
દોઢ મહિનામાં સીસીટીવી કમેરા દ્વારા લગભગ ૧૦૪૦ લોકોને રસ્તાઓ પર થુંકવા બદલ ઝડપી લઈ તેમને ઈ-મેમો પણ ઈસ્યુ થઈ ચુક્યા છે.
પરંતુ લગભગ ૬પ ટકા જેટલા લોકોએ ઈ-મેમો ઈસ્યુ થયા બાદ પણ દંડની રકમ ભરી નથી. ઈ-મેમો મળ્યાના એક સપ્તાહની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈપણ સિવિક સેન્ટર પર જઈ રૂ.૧૦૦ની દંડની રકમ ભરી શકાય છે એવી પણ વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવી છે. પરંતુ જા તે વ્યક્તિ એક સપ્તાહની અંદર દડ ભરે નહીં તો પછી દંડની રકમ વધીને રૂ.પ૦૦ થતી હોય છે.
અને આ દંડની રકમ વસુલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વ્યક્તિને ઘેર જઈ વોર્ડ ઈન્સ્પેકટર દંડ વસુલ કરવામાં આવે છે.
ઘણી વખત વોર્ડ ઈન્સપેક્ટર માટે થુંંકનાર વ્યક્તિ સુધી પહોચવા માટે મુશ્કેલી પડતી હોય છે. રસ્તા ઉપર થુંકનાર વ્યક્તિ વાહનચાલક હોય તો આરટીઓમાંથી તે વાહનના નંબર પર માલિકનું નામ સરનામું મેળવી વોર્ડ ઈન્સ્પેક્ટર તે સરનામે પહોંચી જાય છે. ત્યારે આરટીઓમાં જે વ્યક્તિનું નામ-સરનામું મેળવ્યુ હોય તો તે વ્યક્તિઅોને બીજે રહેવા જતી હોય, તો ઘણી વખત વાહન અન્યના નામે રજીસ્ટર્ડ થયુ હોય છે. જેથી થુંકનાર સાચી વ્યક્તિઅો મળી શકતી નથી.