વાહનો પર લકી નંબર મેળવવા લાખ્ખો રૂપિયા ખર્ચતા ગુજરાતીઓ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વાહનો પર કેટલાંક નંબરો લેવાનું લોકો નસીબવંતુ માનને છે. અનાયસે જા લકી નંબર મળી જાય તો અહોભાગ્ય માનતા હોય છે. રાજ્યમાં આજે વાહનો પર લકી નંબર મેળવવા હોડ જાગી છે. અને આર.ટી. ઓ.ને પણ લકી નંબર ફાળવવામાં મોટી આવક પણ થતી હોય છે.
રાજકોટના એક બિલ્ડર ગોવિંદ પરસાણાએ તેની નવી કારના લકી નંબર મેળવવા રૂ.૧૯.૦૧ લાખ આર.ટી.ઓ.માં જમા કરાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. પરસાણાએ મેળવેલ નંબર છે. ૦૦૦૭ ઉપરાંત ગણેશજીની છબી મુકવા માટે વધારાનું પ્રિમીયમ પણ ચુકવ્યુ હોવાનું જાણવા મળે છે. પરસાણાએ જણાવ્યુ હતુ કે લકી નંબર ૦૦૦૭ મેળવવા માટે રૂ.૧૯ લાખ જેવી રકમ આરટીઓને આપી છે. પરંતુ આરટીઓના નિયમ મુજબ આ નંબરને ગુજરાતીંમાં લખવા દેવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.
રાજકોટ સ્થિતિ ઉપેન્દ્ર ચુડાસમા, જેઓ ટૂર એન્ડ ટ્રાવેલ્સના ઓપરેટર છે. તેમણે પણ લકી નંબર મેળવવા રૂ.૮.પ૩ લાખ ખર્ચ્યા હોવાનું જાણવા મળે છે. આ વર્ષની જુલાઈમાં આરટીઓ નવી શરૂ કરેલી સીરીઝમાં પણ લકી નંબર મેળવવા માટે ઘણા વાહનચાલકોને બીડમાં ભાગ લીધો હતો.
ક્લાસિક નેટવર્ક પ્રાઈવેટ ફર્મ પણ બીડમાં ભાગ લઈ, લકી નંબર મેળવવાના ભાગે રૂ.૬.૭૧ લાખ ભરી લકી નંબર ૦૦૦૧ મેળવવા ભાગ્યશાળી બન્યા છે. આરટીઓના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના ઈતિહાસમાં આ રકમ સૌથી વધારે છે.