કસ્ટોડિયલ ડેથ કેસમાં PI, ૩ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા
ભુજ, કચ્છ જિલ્લામાં મુન્દ્રા પોલીસની કસ્ટડીમાં થોડા દિવસ પહેલા ચોરીના એક શંકાસ્પદ વ્યક્તિના મોત બાદ એક પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેવું એક સીનિયર અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હત્યાના આરોપમાં મુકાયેલા ત્રણેય કોન્સ્ટેબલ ફરાર છે અને તેમને પકડવા પ્રયાસો ચાલુ છે.
મૃતકના સંબંધીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચોરીની ઘટનામાં મુન્દ્રા પોલીસના કોન્સ્ટેબલો અરજણી ગઢવી (૩૦ વર્ષ) નામના યુવકને શકમંદ તરીકે ઉઠાવી લઈ આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી. ત્રણેય કોન્સ્ટેબલોએ અરજણ ગઢવીને ૬ દિવસ સુધી ગેરકાયેદસર રીતે કસ્ટડીમાં રાખ્યા બાદ ૧૯ જાન્યુઆરીના રોજ સરકારી હોસ્પિટલમલાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કચ્છ-પશ્ચિમના પોલીસ અધિક્ષક સૌરભસિંહે રવિવારે જણાવ્યું હતું કે, હત્યાના આરોપનો કેસ નોંધાતા ઈન્સ્પેક્ટર જે.એ પઢિયાર અને ત્રણેય કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્રણ કોન્સ્ટેબલમાં શક્તિસિંહ ગોહિલ, અશોક કન્નડ અને જયદેવસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. મેં ત્રણેય આરોપી કોન્સ્ટેબલ અને મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. ત્રણેય આરોપી કોન્સ્ટેબલ હજી ફરાર છે અને તેમને પકડવા પ્રયાસો ચાલુ છે.
પોલીસ કસ્ટડીમાં કથિત ત્રાસ આપવાને કારણે ગઢવીનું મોત થયા બાદ ૨૧ જાન્યુઆરીના રોજ કોન્સ્ટેબલો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી તેઓ ફરાર છે. એફઆઈઆર મુજબ મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામમાં રહેતા ગઢવીને ૧૨ જાન્યુઆરીએ ચોરીના કેસમાં સંડોવણી હોવાની શંકાના આધારે ત્રણેય કોન્સ્ટેબલોએ ઝડપી લીધો હતો.
ગઢવીના ભાઈએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઢવીની ધરપકડ બાદ કાયદા મુજબ તેને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાને બદલે ત્રણે પોલીસકર્મીઓએ તેમને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યો હતો અને કબૂલાત માટે તેની પર અત્યાચાર ગુજાર્યો હતો.
જ્યારે ફરિયાદી અને અન્ય લોકો ગઢવી માટે ૧૬ જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવા ગયા હતા, ત્યારે ગઢવીએ તેમને કહ્યું હતું કે ચોરી અંગે કબૂલાત કરવા માટે કોન્સ્ટેબલોએ તેને માર માર્યો હતો અને ઇલેક્ટ્રિક શોક પણ આપ્યો હતો. જ્યારે ફરિયાદીએ કોન્સ્ટેબલોને પૂછ્યું કે તેઓએ ગઢવીની ધરપકડ કેમ ન બતાવી, ત્યારે આરોપીઓએ કહ્યું કે તેઓ જલ્દીથી તેને મુક્ત કરશે.SSS