દેશના સૌથી મોટા ગુજરાત પોલીસના અશ્વદળના કરતબો નિહાળી દાહોદના લોકો દંગ !
શ્વાનદળના એસોલ્ટ, સ્નિફિંગ કરવાની રીત જોઇ નગરજનો આશ્ચર્યચકિત થઇ ગયા
૬૦૩ અશ્વો સાથે દેશના સૌથી મોટા અશ્વદળ એવા ગુજરાત પોલીસના માઉન્ટેડ યુનિટ દ્વારા દાહોદ ખાતે ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે રજૂ કરવામાં આવેલા કૌશલ્યોને નિહાળી ઉપસ્થિત સૌ કોઇ દંગ રહી ગયા હતા.
અશ્વદળના કાર્યક્રમની શરૂઆત સ્ટેન્ડિંગ સેલ્યુટથી થઇ હતી. જેમાં એક જવાન દોડતા અશ્વ ઉપર ઉભા રહીને મહાનુભાવોને સલામી આપી હતી. બાદમાં ટેન્ટ પે્ન્ગિંગમાં તેજ ગતિથી આવતા ઘોડેસવાર દ્વારા જમીન ઉપર રાખવામાં આવેલા નિશાનને ભાલાથી તાકવામાં આવ્યું હતું. તેમાં ઇન્ડિયન ફાઇલ, ત્રિપલ ટેન્ટ પેન્ગિંગ પણ થયા હતા. બાદમાં શો જમ્પિંગ કરવામાં આવ્યું હતું. જે અશ્વની વિધ્ન દોડ સમાન હોય છે. અશ્વદળના કૌશલ્યની ઉપસ્થિતિઓ તાળીઓના નાદ સાથે સરાહના કરી હતી.
એ બાદ શ્વાન દળ દ્વારા કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નશીલ પદાર્થ શોધવા, એસોલ્ટ, દોડ જેવી બાબતો દર્શાવાઇ હતી. ગુજરાત પોલીસમાં તાજેતરમાં સામેલ થયેલા બેલ્જીયમ મલિનો પ્રકાશના શ્વાનોએ પણ તેમાં ભાગ લીધો હતો.