અમદાવાદ સિવિલ સંકુલમાં દિવ્યાંગ દર્દીઓના શુભ હસ્તે ધ્વજવંદન કરાવ્યું
ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રજાસત્તાક પર્વની કરાઇ અનોખી ઉજવણી
૭૨ માં પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે કોરોના કાળમાં પ્રજાસત્તાક પર્વ સવિશેષ રહ્યો છે.૨૦૨૧ના આ ગણતંત્ર દિવસ વર્ષના પ્રારંભે કોરોનાના અંતની શરૂઆત લઈને આવ્યો છે. ૨૦૨૦ના વર્ષમાં તબીબોએ જુસ્સા સાથે સતત કોરોના સામેની લડત આપી હતી. અમદાવાદ સિવિલ સંકુલની પણ વિવિધ હોસ્પિટલોની કોરોના મહામારીમાં સેવા સુશ્રુષાનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો છે.
આજે અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર ડૉ. રાજેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સ્પાઇન ઇન્સ્ટિટ્યુટમાં સારવાર લઈ રહેલા દિવ્યાંગ દર્દીઓના શુભ-હસ્તે ધ્વજ વંદન કરાવીને આકાશમાં તિરંગાની આન-બાન-શાન લહેરાવવામાં આવી હતી.
આ પ્રસંગે સેવાભાવી સંસ્થા દ્વારા દિવ્યાંગ દર્દીઓને વ્હીલચેર તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓની વહેંચણી કરવામાં આવી હતી. ૨૫મી જાન્યુઆરીના રોજ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ ના વિજેતાઓ વધારવા માટે પ્રજાસત્તાક પર્વના દિવસે ઇનામ વિતરણ પણ હાથ ધરવામાં આવ્યું હતું.