Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં આન,બાન અને શાન સાથે 72 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલએ ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યુ

કોરોના સામેની સહિયારી લડાઈથી કોરોના હવે અંત તરફ- કોરોનામાં જીવ ગુમાવનારા લડવૈયાઓને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ

રાજ્યના ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે અમદાવાદ જિલ્લાના મકરબા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 72માં પ્રજાસત્તાક પર્વનીઉજવણી પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર છે અને આ રાષ્ટ્રનું આગવુ બંધારણ છે, જેનું આપણા સૌને ગૌરવ છે.

ઉર્જામંત્રીશ્રીએ તેમના ઉદબોધનમાં કહ્યું કે, ભારતના વૈજ્ઞાનિકોના અથાક પરિશ્રમના પગલે કોરોનાની વેક્સિન શોધાઈ છે અને તે હવે સમગ્ર દેશમાં નાગરિકોને તબક્કાવાર અપાશે. મંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યું કે, ભારતે તૈયાર કરેલી વેક્સિન દુનિયા માટે વરદાન સાબિત થઈ છે.

તેમણે કહ્યું કે ભારત વિશ્વ કલ્યાણની ભાવનાને વરેલું રાષ્ટ્ર છે અને વિશ્વના અન્ય દેશોને પણ તે રસી પહોંચાડશે.મંત્રીશ્રીએ ગૌરવભેર એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ભારતના આ પગલાની સમગ્ર વિશ્વમાં સરાહના થઈ છે.

કોવીડ સામેના જંગમાં જીવ ગુમાવનારા લડવૈયાઓને હ્રદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવતા તેમણે જણાવ્યું કે હવે કોરોના સામેની સહિયારી લડાઈથી હવે કોરોના અંત તરફ છે.

શ્રી સૌરભભાઈ પટેલે ભારતના સ્વાધીનતા સંગ્રામમાં અમૂલ્ય ફાળો આપનારા ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્યસેનાનીઓનું પણ સ્મરણ કર્યુ હતું. સમગ્ર વિશ્વને શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પણ તેમણે યાદ કર્યા હતા.

શ્રી સૌરભભાઈ પટેલે પ્રજાસત્તાક દિનની ઉજવણીની રૂપરેખા આપતા કહ્યું કે, આપણી બંધારણ સભાએ સ્વતંત્ર ભારતનું બંધારણ રચ્યું અને તેના પગલે ભારત સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યું.

ગુજરાત કુદરતી આફતો, મહામારી,ભૂકંપ,દુષ્કાળ અને વાવાઝોડા જેવી અનેક સમસ્યાઓનો મક્કમતાથી સામનો કરી પોતાના ખમીરનો પરિચય કરાવતું રહ્યું છે, એમ પણ ઉર્જામંત્રીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ તેમના ઉદબોધનમાં અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની પણ ભૂમિકા આપી હતી.

નોંધનીય છે કે અમદાવાદ ગ્રામ્યના પોલીસ હેડક્વાર્ટર –મકરબા ખાતે  જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ આન,બાન અને શાનથી ઉજવવામાં આવ્યો ત્યારે ઉપસ્થિત સૌ નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રતિબિંબિત થતી હતી.

આ પ્રસંગે ઉર્જામંત્રીશ્રીના હસ્તે કોવીડમાં ઉત્તમ કામગીરી કરનારા કર્મયોગીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે ઉર્જામંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીવિરેન્દ્ર યાદવ અને અન્ય  ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.