Western Times News

Gujarati News

રિક્ષામાં મુસાફર બેસાડી લૂંટ કરતી બબલુ ગેંગ ઝડપાઈ

Files photo

અમદાવાદ: રાત્રીના સમયે એકલ દોકલ મુસાફરને રિક્ષામાં બેસાડી મુસાફરનો કિંમતી સામાન, રોકડ કે મોબાઈલની લૂંટ કરીને રીંગ રોડ પર તરખાટ મચાવતી ગેંગના મુખ્ય સાગરીત સહિત ત્રણ આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે.

૨૧મી ડિસેમ્બરે સીજી રોડ પર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપનીમાં નોકરી કરતા કૌશલ આચાર્ય અસલાલી સર્કલથી રિક્ષામાં બેઠા હતાં. આ રિક્ષામાં પાછળની સીટમાં અગાઉથી જ બે મુસાફરો બેઠેલા હતા. આ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને કમોડ સર્કલ પાસે અવાવરું જગ્યામાં લઇ ગયા હતા અને ત્યાં તેઓને ડરાવી ધમકાવીને તેમની પાસે મોબાઇલ અને હેન્ડ્‌સ ફ્રી ની લૂંટ ચલાવીને ત્રણેય ઇસમો ફરાર થઇ ગયા હતા.

ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી અને આ ગેંગ બબલુ ગેંગ હોવાની બાતમી મળતા જ પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે વટવાના રિઝવાન સૈયદ, દાણીલીમડાના અમાન ઉલ્લા અન્સારી અને ફરીદ મણિયારની ધરપકડ કરી છે અને આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓ લૂંટ કરેલ રૂપિયા મોજશોખમાં વાપરતા હતા.

આરોપીઓ મોટાભાગે લૂંટ કરવા માટે એસપી રિંગ રોડ અને હાઇવે પર એકલ-દોકલ મુસાફરોને ટાર્ગેટ બનાવતા હતા. આ ગેંગના સભ્યો ગુનો આચરતી વખતે ભોગ બનનાર વ્યક્તિને બબલુ નામથી સંબોધન કરતા હોવાથી તે બબલુ ગેંગ તરીકે ઓળખાય છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન કેટલાક ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.