સૌરવ ગાંગુલીની તબિયત ફરી બગડી, છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ફરી એક વખત બગડી છે.ગાંગુલીને છાતીમાં દુખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદ બાદ તેમને ફરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે ગાંગુલી ગઈકાલે રાતથી જ છાતીમાં હળવા દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા.સવારે તેમણે ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો અને ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ આપી હતી.સૌરવ ગાંગુલીને વહેલી તકે હોસ્પિટલ લઈ જવા માટે તેમના ઘરથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 2 જાન્યુઆરીએ ગાંગુલીને પોતાના ઘરમાં બનાવાયેલા જીમમાં કસરત કરતી વખતે એટેક આવ્યો હતો.એ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમની એન્જિઓ પ્લાસ્ટી કરવામાં આવી હતી.ડોક્ટરોની ટીમે તેમના હાર્ટમાં સ્ટેન્ટ મુક્યા બાદ બીજા 48 કલાક હોસ્પિટલમાં રાખીને પછી રજા આપી હતી.
રજા મળ્યા બાદ સૌરવ ગાંગુલી કોલકાતા ખાતેના પોતાના ઘરે જ આરામ કરી રહ્યા હતા અને ફરી તેમની તબિયત બગડતા ચાહકો ચિંતાતુર બન્યા છે.