Western Times News

Gujarati News

શહેરીજનો પર રોગચાળાનો ત્રિ-પાંખીયો હુમલો : સ્વાઈન ફ્લુનો કેસ નોંધાયો

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટ સીટી અમદાવાદમાં રોગચાળો વકરી રહ્યો છે. પ્રદુષિત પાણીની સમસ્યાના કારણે કમળો ઝાડાઉલ્ટી અને ટાઈફોઈડના કેસ મોટી સંખ્યામાં નોંધાયા છે. વરસાદ બાદ યોગ્ય સફાઈ અને ફોગીંગના અભાવે મેલેરીયા અને ડેન્ગ્યુના કેસ પણ ચિંતાજનક હદે વધી રહ્યા છે. જ્યારે વાતાવરણમાં સામાન્ય ઠંડક પ્રસરી જવાની સાથે જ સ્વાઈન ફ્લુના રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ છે.

મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા ફોગીંગ અને ઈન્ટ્રા ડોમેસ્ટીક કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સ્વાઈન ફ્લુને નિયંત્રણમાં લેવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યુ નથી.

શહેરના નાગરીકો પર રોગચાળાનો ત્રિ-પાંખીયો હુમલો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ ઈજનેર ખાતાની બેદરકારીના કારણે પાણીજન્ય રોગચાળો લગભગ કાયમી બની ગયો છે. ચાલુ વરસે કમળો અને ટાઈફોઈડના કેસમાં અસામાન્ય વધારો થયો છે.

ર૦૧૯ના પ્રથમ સાત મહિનામાં ટાઈફોઈડના ર૮૦૦ જેટલા કેસ બહાર આવ્યા છે. જે છેલ્લા એક દાયકામાં સૌથી વધારે છે. ચાલુ વર્ષ દરમ્યાન કમળાના ૧૪પ૦ કેસ નંધાયા છે. શહેરના બહેરામપુરા, વટવા, લાંભા, દાણીલીમડા, અમરાઈવાડી, ગોમતીપુર, સરસપુર, દરિયાપુર, જમાલપુર, કુબેરનગર વિસ્તારમાં પાણીજન્મય રોગચાળાનો આતંક જાવા મળી રહ્યો છે.

શહેરમાં ગત સપ્તાહ દરમ્યાન થયેલ વરસાદ બાદ સફાઈ ફોગીંંગ અને દવા છંટકાવના અભાવે મચ્છરોનો ઉપદ્વવ પણ વધી ગયો છે. તેમજ મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસમાં અસામાન્ય વધારો થયો છે. શહેરના નવા પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે.

જ્યારે દક્ષિણ અને પૂર્વ ઝોનમાં મેલેરીયાનો આતંક જાવા મળે છે. ઓગષ્ટ મહિનાના પ્રથમ દસ દિવસ દરમ્યાન મેલેરીયાના ૪૧પ કેસ નોંધાયા છે. ગોમતીપુર વિસ્તારમાં મેલેરીયાના પર, વટવામાં ૩૦, લાંભામાં ૩૬ તથા રામોલમાં ર૩ કેસ નોંધાયા છે.

શહેરમાં સ્વાઈન ફ્લુના કેસ પણ બહાર આવી રહ્યા છે. વરસાદ બાદ વાતાવરણમાં સામાન્ય ઠંડક પ્રસરી ગયા બાદ એચ-૧એન-૧ વાયરલ પણ ઘાતક બની રહ્યા છે. શહેરના નિકોલ વિસ્તારના રહીશ પ૦ વર્ષના આધેડ સ્વાઈન ફ્લુના સકંજામાં આવી ગયા છે. સ્વાઈન ફ્લુના દર્દી ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

ચાલુ વર્ષ દરમ્યાન સ્વાઈન ફ્લુના ૧૩૩૬ કેસ નોંધાયા છે. જે પૈકી ર૯ દર્દીઓના મૃત્યુ થયા છે. ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ ૭૮૦ કેસ નોંધાયા હતા. જે પૈકી ૧૮ દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૩૩૩ કેસ નોંધાયા હતા. તથા ૦૮ દર્દીના મૃત્યુ થયા હતા.
મ્યુનિસિપલ આરોગ્ય ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુનો રોગચાળો સપ્ટેમ્બરથી ડીસેમ્બરના સમયગાળા દરમ્યાન વકરી શકે છે.

ડેન્ગ્યુના રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી વધુ સઘન બનાવવામાં આાવી રહી છે. ૧૪મી ઓગષ્ટે મેલેરિયા ખાતાના કર્મચારીઓ અને સ્થાનિક કોર્પોરેટરોએ સંયુક્ત રીતે મચ્છર નિયંતરણ માટે કાર્યવાહી કરી હતી. તથા એક જ વોર્ડમાં ૩૩ હજાર મકાનોમાં સર્વે કર્યો હતો.

જે પૈકી ર૧ હજાર મકાનોમાં ફોગીંગ કર્યા હતા. ડોર ટુ ડોર સર્વે દરમ્યાન ૧૧૦૦ મકાનમાંથી મચ્છરના બ્રિડીંગ મળ્યા હતા. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તથા મચ્છરોની ઉત્પતિ રોકવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.