દારૂની રેઈડ માટે ગયેલી પોલીસને ૩૭ લાખની રોકડ મળી
ફરાર આરોપી સટ્ટો રમાડતો હોવાની શંકા
(પ્રતિનિધિ)અમદાવાદ, ઈસનપુરમાં પોલીસે વિદેશી દારૂની બાતમી મળતાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જાેકે તપાસ દરમિયાન ફક્ત એક જ દારૂની બોટલ મળી આવી હતી. પરંતુ ઘરનાં જુદાં જુદાં રૂમોમાંથી સાડત્રીસ લાખ રૂપિયાની રોકડ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી, પોલીસે મકાન માલિક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે ઈસનપુર પોલીસનાં ડી સ્ટાફ પીએસઆઈ ડીવાય લકુમની ટીમને જયન્ત પાર્ક સોસાયટીમાં આવેલાં શ્યામ સાંઈ એપાર્ટમેન્ટ એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેને પગલે પીએસઆઈ લકુમે શ્યામ સાંઈ એપાર્ટમેન્ટનાં બીજા માળે આવેલાં એક મકાનમાં દરોડો પાડતાં એક મહિલા મળી આવી હતી. મકાનની તપાસ કરતાં એક બેડરૂમમાં કબાટમાંથી વિદેશી દારૂની ફક્ત એક બોટલ મળી આવી હતી.
જાેકે વધુ તપાસ કરતાં અન્ય ખાનામાંથી એક બેગ મળી હતી. જેમાંથી ૬.૩૫ લાખ રૂપિયા નીકળ્યા હતા. એજ રૂમમાં પેટી પલંગ ખોલી જાેતા તેમાંથી પણ એક થેલીમાંથી ૨૬ લાખ રૂપિયાની રોકડ મળી હતી. ઉપરાંત અન્ય બેડરૂમની તપાસ કરતાં તેમાં પણ કબાટમાંથી રૂપિયા ૫ લાખની રોકડ મળી હતી. આ અંગે મહિલાને પૂછતાં તેણે પોતાનાં પતિ સાર્દુલભાઈ કર્મવીર ચંન્દ્રાત્રે એક મહિના અગાઉ દારૂ તથા રૂપિયા લઈ આવ્યા હોવાનું કહ્યું હતું. પોલીસે દારૂની બોટલ તથા ૩૭.૩૦ લાખ રૂપિયા રોકડ કબ્જે લઇ મહિલા સોનલબેન તથા તેનાં પતિ સાર્દુલભાઈ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં સાર્દુલ દુબઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોલીસને તે સટ્ટો રમાડતો હોવાની શંકા છે.HS