લાલ કિલ્લા પર ખેડૂતોની હરકત પર દેશભરમાં ગુસ્સો: નેતાઓએ ઝાટકણી કાઢી
નવીદિલ્હી, ૧૯૪૭માં ભારત દેશ જ્યારે અંગ્રેજાેની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારથી દેશના વડાપ્રધાન સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આ વખતે આ ઐતિહાસિક ઈમારતની આ જ પ્રાચીર પર ગણતંત્ર દિવસે તિરંગાની જગ્યાએ કોઈ બીજાે જ ધ્વજ ફરકી રહ્યો હતો. આંદોલન કરી રહેલા કેટલાક ખેડૂતોએ સરકારને સંદેશ આપવા આ હરકત કરી હતી. આ ઘટનાની એનક દિગ્ગજ નેતાઓએ આકરી નિંદા કરી હતી.
ટ્રેક્ટર રેલી દરમિયાન ભારે હોબાળો મચાવ્યા બાદ જ્યારે ખેડૂતોનું એક જુથ લાલ કિલ્લા પર પહોંચ્યું તો વિવાદ તેની ચરમસીમાએ પહોંચી ગયો હતો. કેટલાક ઉપદ્રવિઓ તો લાલ કિલ્લાની પ્રાચીર પર ચડી ગયા હતાં. આ ખેડૂતોએ બરાબર એ જ જગ્યાએ પોતાનો ધ્વજ ફરકાવી દીધો જ્યાં દર વર્ષે તિરંગો શાનથી લહેરાય છે. આ એજ જગ્યા હતી જ્યાં દર વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંદેશ આપે છે. સંદેશ તો આજે પણ આપ્યો જ હતો પરંતુ તે દેશ માટે બિલકુલ અયોગ્ય છે. આ ઐતિહાસિક સ્મારકના કેટલાક ગુંબજાે પણ ખેડૂતો જાણે કબજાે જમાવવા માંગતા હોય તેમ ઉપર ચડી ગયા હતાં.
લાલ કિલ્લાની પ્રાચીર પર કોઈ બીજાે ધ્વજ લહેરાતો જાેઈ સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ટિ્વટ કરીને કહ્યું હતું કે, સૌથી દુર્ભાગ્યપૂર્ણ. મેં શરૂઆતમાં ખેડૂતોના પ્રદર્શનનું સમર્થન કર્યું હતું પરંતુ આ પ્રકારની અરાજકતાને નજરઅંદાજ કરી શકાય નહીં. ગણતંત્ર દિવસ પર બીજાે કોઈ નહીં પણ માત્ર તિરંગો જ લાલ કિલ્લા પર લહેરાવવો જાેઈએ.તેવી જ રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયવિર શેરગીલે પણ કંઈક આવી જ વાત કહી હતી. ભાજપના નેતા રમેશ નાયડૂએ કહ્યું હતું કે, દિલ્હીની સરહદથી શરૂ થયેલી ભીડે પોલીસ બેરિકેટ્સ તોડ્યા, તલવારો લહેરાવી. ત્યાં સુધી કે આપણ સુરક્ષાબળો દ્વારા રોકવામાં આવ્યા છતાંયે લાલ કિલ્લા સુધી પહોંચ્યા.
કિસાન સંગઠનના સમૂહ સંયુક્ત કિસાન મોર્ચાએ બેકાબૂ બનેલી ટ્રેક્ટર રેલીમાં ઘટેલી હિંસક ઘટનાથી પોતાની જાતને અળગી કરી લીધી છે. નેતાઓનું કહેવું છે કે, જે કિસાન સંગઠનના લોકો હિંસા પર ઉતરી આવ્યા છે અને લાલ કિલ્લાની પ્રાચરમાં પ્રવેશ્યા છે, તેમની સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી. ઓલ ઈન્ડિયા કિસાન સભાના મહાસચિવ હન્નન મૌલાએ કહ્યું હતું કે, કેટલાક સંગઠનોએ ટ્રેક્ટર રેલીમાં ઘુસીને ખેડૂત આંદોલનને બદનામ કરવાના પ્રયાસ કર્યા છે. ઓલ ઈન્ડિયા કિસાન સભાના પંજાબના જનરલ સેક્રેટરી મેજર સિંહ પુનાવાલાએ કહ્યું હતું કે, જે લોકો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા છે તે સંયુક્ત કિસામ મોર્ચાના લોકો નથી. પંજાબના જ ખેડૂત નેતા અને કિસાન બચાઓ મોર્ચાના અધ્યક્ષ કૃપા સિંહે કહ્યું હતું કે, ઉપદ્રવ મચાવનારાઓ સાથે તેમને કોઈ જ લેવા દેવા નથી.HS