કોરોના અંગે કેન્દ્રની નવી ગાઈડલાઈન:સિનેમા હોલ વધારે સિટીંગ કેપેસિટી સાથે ખોલી શકાશે
અમદાવાદ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાને લગતી નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે હવે સિનેમા હોલ અને થિએટર વધારે સિટિંગ કેપેસિટી સાથે ખોલી શકાશે. આ અગાઉ 50 ટકા કેપેસિટી સાથે ખોલવા મંજૂરી આપી હતી. આ ઉપરાંત સ્વીમિંગ પૂલમાં હવે સૌને જવાની મંજૂરી મળશે. આ અગાઉ ફક્ત ખેલાડીઓને જ તેનો ઉપયોગ કરવા માટે મંજૂરી મળી હતી.
તે 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ વિવિધ પ્રવૃત્તિઓ તથા કોવિડને લગતી યોગ્ય વર્તણૂંકને લઈ તેનો અમલ કરવાનો રહેશે.
નવી ગાઇડલાઈન પ્રમાણે કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર તમામ પ્રકારની છૂટછાટ મળશે આ ઉપરાંત આ નવી ગાઈડલાઈનમાં સ્વિમિંગપુલ, સિનેમા ઘરો વગેરે અંગે છૂટછાટનો સમાવેશ થાય છે.
છેલ્લા ચાર મહિનાથી કોરોનાના કેસમાં જે સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કેસોમાં ઘટાડાનું વલણ યથાવત રાખવાનો નવી ગાઈડલાઈનનો ઉદ્દેશ છે. આ માટે સર્વિલન્સ, કન્ટેઈમેન્ટ તેમ જ સાવચેતી પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ગૃહમંત્રાલયે કહ્યું છે કે જો જરૂર પડશે તો કન્ટેઇનમેન્ટ ઝોનમાં માઈક્રો લેવલ પર સ્થાનિક સત્તાવાળા યોગ્ય નિર્ણય લઈ શકશે, જોકે તેમણે આ માટે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરેલી ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.